દેશનાં નંબર વન સ્વચ્છ શહેરમાં સુરતે બાજી મારી.ઈન્દોર સાથે સંયુકત રીતે સ્વચ્છતામાં નંબર વન મળતાં જ સુરતીઓને હર્ષોલ્લાસ સાથે ઉજવણીની એક અદ્ભૂત તક મળી ગઈ. સુરત શહેર વિવિધતા અને વિશેષતાઓથી વિશ્વમાં જાણીતું છે.શહેરે અચાનક આવેલી કુદરતી આફતોનો સામનો કરી, (ફીનિકસ પક્ષીની માફક) ટૂંકા સમયગાળામાં ફરી બેઠા થઈ જવામાં,રૂટીનમાં આવી જવામાં પણ જબરદસ્ત ખમીર બતાવ્યું છે.એટલું જ નહીં, દેશ અને દુનિયાને આપત્તિ સમયે મદદરૂપ થવામાં પણ નંબર વન.વિવિધ ઉદ્યોગો, સાહિત્યકારો,આંતર રાષ્ટ્રીય એરપોર્ટ,મેટ્રોના આગમનની ધમધમાટી વચ્ચે શહેર વિકસી રહ્યું છે.
અંગદાન,દેહદાન, રક્તદાન,નેત્રદાન, શિક્ષણ દાન, અન્નદાન, વસ્ત્રદાન,મા બાપ વગરની દીકરીઓનાં સમૂહ લગ્નમાં પણ દેશ દુનિયામાં સુરતે ડંકો વગાડ્યો છે.પતંગ, પોંક,પાર્ટી,પૂરમાં પણ ભજીયાં ખાવાનાં શોખીન હુરતીઓ દરેક તહેવારોને દિલથી, મન ભરીને ઉજવે છે.શોખીન હુરતીઓને સંક્રાંત પહેલાં ઉજવણીની અનોખી ભેટ મળી.સૌ ખુશમ્ ખુશ.લોચો ખાય પણ લોચો મારે નહિ એવા સુરતીઓનું સુરત! દેશમાં સ્વચ્છતામાં નંબર વન સુરત.અભિનંદન સુરત.
સુરત – અરુણ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જન્મ જયંતીએ વંદન-સ્વામી વિવેકાનંદ
12મી જાન્યુઆરી, 1863ના રોજ કોલકતામાં જન્મેલ નરેન્દ્રનાથ એટલે કે આપણા સૌના સ્વામી વિવેકાનંદ જેમની આજે 158મી જન્મ જયંતી છે. માત્ર 39 વર્ષ (ખૂબ ઓછું) જીવીને લોકસેવાના કામમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વામી વિવેકાનંદને દોઢ સદી પછી આજે યાદ કરીને લોકો ગર્વ અનુભવે છે. શિકાગોની વિશ્વધર્મ પરિષદને પોતાના વ્યાખ્યાનથી ગુંજતી કરનાર સ્વામીજીએ વિદેશમાં પણ અનેક લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. દેશ-વિદેશમાં ફરીને ગરીબોની સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. ‘ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડયા રહો’ જેમનું સૂત્ર હતું અને વિશ્વમાં ભારત દેશનું માન વધારનાર સ્વામીજીની ગ્રંથમાળામાંથી કેટલાંક ઉદ્ધરણો અહીં રજૂ કર્યા છે.
1. આત્મશ્રદ્ધા રાખો. દૃઢ શ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. (2) અન્યને માટે કરેલું જરા સરખું કાર્ય પણ અંદરની શક્તિ જગાવે છે. (3) વિચાર, વાણી અને કાર્યમાં સંગઠિત થયેલા મુઠ્ઠીભર માણસો પણ દુનિયામાં ઉથલપાથલ કરી શકે છે. (4) નેતા હોવા છતાં સૌના સેવક બનો (5) જે કાંઇ શક્તિ અને સહાય તમારે જોઇએ એ તમારી પોતાની અંદર જ છે માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. (6) પવિત્રતા, ધૈર્ય અને ખંત એ ફત્તેહ માટેનાં ત્રણ જરૂરી તત્ત્વો છે, તે ઉપરાંત બધાં ઉપર પ્રેમ.આવા ઉત્તમ વિચારોયુક્ત સાચા સમાજસેવક સ્વામી વિવેકાનંદને જન્મદિવસે શત શત વંદન.
અમરોલી – પટેલ પાયલ વી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.