સુરત(Surat): શહેરના ભટાર (Bhatar) ચાર રસ્તા નજીક ટેમ્પો ચાલકે (Tempo Driver) અચાનક ટર્ન (Turn) લેતા એક સાથે 4 કાર એક પછી એક અથડાઈ ગઈ હતી. મોડી રાત્રે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં (Accident) કોઈ જાનહાનિ ન હતી. જોકે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ઘટના ઉધના-મગદલ્લા રોડ ઉપર નવજીવન સર્કલ તરફથી બ્રેડ લાઇનર સર્કલ તરફ જતા ભટાર ચાર રસ્તા પાસે બ્રિજ પહેલા બની હતી. એક થ્રી-વ્હીલ ટેમ્પો ચાલક બ્રિજ ઉપર ચડતી વખતે અચાનક સર્વિસ રોડ તરફ ટર્ન લઈ લેતા અન્ય વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જેને પગલે પાછળથી આવતી ઉપરા ઉપરી 4 કાર એક પાછળ એક અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં ટેમ્પો પાછળ વેગેનાર, વરના કાર અને ઇનોવા સહિતની કાર અથડાઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ વરના કારના બન્ને બલૂન ખુલી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમામ વાહનોને ભારે નુકશાન થયું હતું. ઘટના પગલે ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇએ પણ ફરિયાદ ન આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
પુણામાં કાર DGVCLના થાભલા સાથે ભટકાતા બે થાંભલા તૂટી ગયા
સુરત : પુણાગામમાં સ્કુલના ગેટ પાસે ઈલેક્ટ્રીક ના થાભલા સાથે કાર અથડાતાં બે થાંભલા પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. નંદનવન સોસાયટીની હરીઓમ સ્કુલ ના ગેટ પાસે બનેલો ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ ડીજીવીસીએલ કર્મચારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.હાલ થાભલા ખસેડવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.