હથોડા: (Hathoda) પાલોદ નજીક ઉત્તર પ્રદેશના દંપતીએ અગમ્ય કારણસર એકસાથે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશના વતની સૂરજ સંતોષ યાદવ (ઉં.વ.25) તેની પત્ની સુકેતા દેવી (ઉં.વ.24) સાથે છેલ્લાં ચારેક વર્ષથી રોજીરોટી માટે કોસંબાના પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારમાં આવેલી સહજ નામની ફેક્ટરીના રૂમ નં.7માં રહેતાં હતાં. અને નજીકમાં આવેલી બીજી કંપનીમાં કામ પર જતાં હતાં.
- પાલોદ નજીક ફેક્ટરીના રૂમમાં રહેતા પરપ્રાંતીય દંપતીનો ફાંસો ખાઈ આપઘાત
- મૂળ યુપીનો સૂરજ યાદવ ચાર વર્ષ પહેલાં પત્ની સુકેતાદેવી સાથે કોસંબામાં રોજીરોટી માટે આવ્યો હતો
ગત મોડી રાત્રે પતિ-પત્નીએ અગમ્ય કારણોસર રૂમની લોખંડની છત સાથે સાડીનો છેડો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મોત થયું હતું. આ બાબતની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઊમટી પડ્યાં હતાં. આ બનાવ અંગે નજીકમાં આવેલી પાલોદ પોલીસને જાણ કરતાં પાલોદ પોલીસ ચોકીના જમાદાર નલીનભાઈએ બંનેની લાશનો કબજો લઈ કામરેજ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ મામલે આપઘાતનો કેસ દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પતિ-પત્નીએ કયાં કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી મોત વહાલું કરી લીધું એ જાણી શકાયું નથી.
પંખાની પાંખ કાઢી કોણે? એ તપાસનો વિષય
સૂરજ અને તેની પત્ની સુકેતાદેવીએ આપઘાત કરી લેતાં રહસ્યના અનેક તાણાવાણા સર્જાયાં છે. એવું તો કયું દુ:ખ હતું કે આપઘાતનું પગલું ભરવું પડે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બંને ઓઢણી વડે અલગ અલગ ફાંસો ખાધેલો હોય એવું નજરે ચઢતું હતું. જો કે, એમની નજીકના પંખાની પાંખો ગાયબ જણાતી હતી. આથી પંખાની પાંખો કાઢી તેમણે આપાઘાત કર્યો કે પછી અન્ય કોઈએ પાંખો કાઢી એ તપાસનો વિષય છે.