ગિરનાર દૂરદર્શન પરથી દરરોજ સાંજે 6.30થી 7 સહ્યાદ્રિ દૂરદર્શન યોજિત તરાને પુરાને (જૂની ફિલ્મોનાં લોકપ્રિય ગીતો)નો કાર્યક્રમ રીલે થાય છે. કયારેક તો આ કાર્યક્રમમાં કોઇ તરાના પુરાના હોતાં નથી. આ ઘણી વખત તો 2001 પછીની ફિલ્મોનાં ગીતો રજૂ કરાય છે. કંટાળીને ટી.વી. બંધ કરી દેવાની ફરજ પડે છે. આ કાર્યક્રમમાં 1950થી 1980 સુધીની ફિલ્મોનાં કર્ણપ્રિય અને જાણીતાં ગીતો રજૂ થવાં જોઇએ.
આ બાબતે ઓછામાં ઓછા 1 ડઝન પત્રો ગિરનાર દૂરદર્શનને લખ્યા છે છતાં ન તો કાર્યક્રમમાં ઇચ્છનીય ફેરફાર થયો છે કે ન તો દૂરદર્શને આ પત્રોની કોઇ નોંધ લીધી છે. 2001 પછીની ફિલ્મોનાં ગીતો રજૂ થવાથી કાર્યક્રમનો મૂળ હેતુ જ માર્યો જાય છે. ગિરનાર દૂરદર્શને સહ્યાદ્રિ દૂરદર્શનનો આ કાર્યક્રમ રીલે કરવાના બદલે પોતે જ નવો કાર્યક્રમ બનાવી કાર્યક્રમના ટાઇટલ મુજબ 1950 થી 1980 સુધીની ફિલ્મોનાં જાણીતાં અને લોકપ્રિય ગીતો લોક મનોરંજન માટે રજૂ કરવાં જોઇએ. દૂરદર્શન દર્શકોનાં સૂચનો ધરાર અવગણે અથવા કાંઇ જવાબ ન પાઠવે તે બરાબર નથી.
પાલનપુર- અશ્વિન ન. કારીઆ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભક્તિ અને નારી શક્તિનો સંગમ
આપણાં સંતાનોને સંઘર્ષ કરીને જીવતાં શીખવાડીએ. માબાપનો બેસુમાર પૈસો-સંપત્તિ જોઈને યુવાનોની સંઘર્ષશક્તિ, વિચારશક્તિ, સર્જનશક્તિ, કુંઠિત થઈ જાય છે. એક બેકરીવાળી સન્નારી-બાઈનું સચોટ ઉદાહરણ પૂરતું છે. કોરોના કાળમાં કપરા સંજોગો આવી પડ્યા! ઉપરથી કુટુંબ કલેહ વગેરેને લીધે વેપારમાં અભૂતપૂર્વ મંદી આવી પડી. ભલભલા ભાંગી પડે એવી સ્થિતિમાં એ સન્નારીમાં વિપરીત સંજોગો સામે ભીડવાની તાકાત આવી ક્યાંથી?! ઈંગ્લેન્ડની પ્રખ્યાત કહેવત (The sun never sets in England) ને યાદ કરીને પોતાના ખોદાયજી અને આતશ બહેરામને યાદ કરીને મન પરોવી લીધું! બિનગુજરાતી હોવા છતાં અંબામાતામાં અપૂર્વ શ્રધ્ધા!
અંબા માતાએ સ્વપ્નમાં અવારનવાર દર્શન આપીને તેને ઉગારી લેવાનું વચન આપ્યું. લેણદારોને સમજાવ્યા, કારીગરોને વિશ્વાસમાં લીધા અને રણચંડીની માફક કુનેહપૂર્વક (ઘર રસોડાની ચિંતા છોડીને) વેપાર-ધંધો સંભાળી લીધો. ખૂબજ દયાળુ માયાળુ હોવાથી અનેકનો સાથસહકાર મળ્યો. સવારથી રાત સુધી પોતે-જાતે બેસીને બેકરીનો કુશળ વહીવટ ચલાવીને એક ‘ભગીરથ કાર્ય’ કરી બતાવ્યું. ચિત્રકામનો શોખ હોવાથી તેમજ બીજા ધર્મોના દેવ-દેવી પ્રત્યે માનની લાગણી હોવાથી શંકર ભગવાન, અંબા માતા, ઈશુ ખ્રિસ્ત વગેરેના સરસ મઝેના ચિત્રો બનાવ્યાં. બોલીવૂડનાં ગિફ્ટમાં મોકલાવ્યા. સુખથી નહીં દુખથી ઘડાય છે જિંદગી એ કુદરતે સ્ત્રીને અદભુત શક્તિ (સહનશીલતા સિવાય પણ) બક્ષેલી છે.
સુરત – રમેશ એમ. મોદી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.