National

અપહરણ કરાયેલા જહાજમાંથી ક્રૂને બચાવ્યા બાદ હવે ભારતીય નૌકાદળ લૂંટારાઓની શોધમાં

ભારતીય નૌકાદળની (Indian Navy) બહાદુરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. શુક્રવારે ઉત્તર અરબી સમુદ્રમાં (North Arabian Sea) અપહરણ કરાયેલા જહાજમાં ફસાયેલા તમામ 21 લોકોને બચાવ્યા બાદ હવે નેવી ચાંચિયાઓને શોધવામાં લાગી ગઈ છે. આ માટે તે શંકાસ્પદ જહાજોની તપાસ કરી રહી છે. વહાણને હાઇજેક કરવાનો પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હૂતી આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવા અંગે ચિંતા વધી રહી છે.

નોંધનીય છે કે નૌકાદળના માર્કોસ કમાન્ડોએ કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે જહાજમાં પાંચથી છ સશસ્ત્ર લોકો સવાર છે જેમના વિશે કોઈ માહિતી નથી. જહાજની શોધખોળ કર્યા બાદ INS ચેન્નાઈએ શુક્રવારે બપોરે લગભગ 3:15 વાગ્યે અરબી સમુદ્રમાં સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજને ઘેરી લીધું હતું. સૈનિકોએ વહાણને ઘેરી લીધા બાદ ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડોએ અપહરણ કરાયેલા જહાજ પર ઉતરીને શોધખોળ કરી તો જાણવા મળ્યું હતું કે ત્યાં કોઈ ચાંચિયા હાજર ન હતા.

આવી સ્થિતિમાં એવું લાગે છે કે જ્યારે લૂટેરાઓએ મોટી સંખ્યામાં ભારતી સૈનિકોને જોયા ત્યારે તેઓ ડરના કારણે રાત્રિના અંધકારમાં ત્યાંથી ભાગી ગયા હશે. જોકે ભારતીય નૌકાદળ અત્યારે આ મામલે આરામથી બેઠી નથી. તેણે ચાંચિયાઓને શોધવા માટે સમુદ્રમાં યુદ્ધ જહાજો, દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ P-8I અને હેલિકોપ્ટર સાથે લાંબા અંતરના પ્રિડેટર MQ9B ડ્રોન કામે લગાડી દીધા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ કાર્ગો જહાજ MV લીલા નોરફોક પાસે હાજર છે. જહાજને પાવર જનરેશન અને નેવિગેશન સિસ્ટમમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે જેથી તે આગામી બંદર સુધીની તેની મુસાફરી શરૂ કરી શકે. આ પહેલા ભારતીય નૌસેનાએ બચાવેલા ભારતીયોનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં એક ભારતીય કહેતો જોવા મળે છે કે તે ખૂબ જ સારું અનુભવી રહ્યો છે. જ્યારે બીજાએ કહ્યું કે તેઓ 24 કલાકથી ડરમાં હતા. હવે અમને રાહત મળી છે. આ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે અમે બધા ભારતીય નેવી પર ગર્વ અનુભવીએ છીએ. ત્યારબાદ બધાએ એકસાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતાં.

Most Popular

To Top