સુરત: (surat) નવા વર્ષની શરૂઆતમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વીસ મહિનાના બાળકના અંગોનું દાન (Organ Donation) સુરતથી કરાવવામાં આવ્યું હતું. શ્રી સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ (Braindead) રિયાંશ યશ ગજ્જરના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી વીસ મહિના ના રિયાંશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ બાળકોને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 12 વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં બે જરૂરિયાતમંદ બાળકોમાં કરવામાં આવશે. સુરત થી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરત થી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જીલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભીલાડ ચેક પોસ્ટ થી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરીડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી એ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ અગિયારસો થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
નિલેશ માન્ડલેવાળા એ જણાવ્યું હતું કે B1, 104, ઓમકાર રેસીડન્સી, પાલનપુર-કેનાલ રોડ, મીની વીરપુર મંદિરની પાસે, પાલનપુર સુરતમાં રહેતા અને અડાજણમાં આવેલ HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા યશ અજયકુમાર ગજ્જરનો વીસ મહિનાનો પુત્ર રિયાંશ તા. 28 ડીસેમ્બરના રોજ રાત્રે 7 કલાકે પોતાના ઘરના પહેલા માળે થી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પરિવારજનો દીકરાને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં 1 જાન્યુઆરી ના રોજ રિયાંશને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ડોનેટ લાઈફની ટીમે રિયાંશના પિતા યશ, માતા ધ્વની, દાદાજી અજયકુમાર, દાદીમાં મેઘનાબેન, નાનાજી રાજેશભાઈ, નાનીમાં હર્ષાબેન, વરૂણભાઈ, સુધીરભાઈ, ગજ્જર પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
રિયાંશના માતા-પિતા ધ્વની, યશ તેમજ દાદાજી અજયભાઈએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. ડોનેટ લાઈફ સંસ્થાના અંગદાનના વિડીયો દ્વારા નાના બાળકોને પણ અંગોની જરૂરિયાત રહેતી હોય છે, તેની જાણકારી અમને મળતી હતી. અમારું બાળક બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન થકી અંગ નિષ્ફળતાના બાળકોને નવુંજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અમારા દીકરાના અંગદાન થી, અમારો દીકરો બીજા બાળકોમાં અંગ પ્રત્યારોપણ મારફત જીવી રહ્યો છે તેમ અમે માનીશું. રિયાંશના પરિવારમાં તેના પિતા યશ ઉં.વ.28 જેઓ અડાજણમાં આવેલ HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે, માતા ધ્વની ઉ.વ.30 જેઓ ગૃહિણી છે, દાદાજી અજયભાઈ ઉ.વ. 51 જેઓ ક્રોમાટેક્ષ યાર્નની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. દાદીમાં ઉ.વ. 47 જેઓ ગૃહિણી છે. ROTTO મુંબઈ દ્વારા લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. રીયાંશના હૃદય અને ફેફસાના દાન કરવાની સહમતી પણ રીયાંશના માતા પિતા તેમજ પરિવારજનોએ આપી હતી, પરંતુ દેશમાં રીયાંશના બ્લડગ્રુપના નાના બાળકો હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રજીસ્ટર ન હોવાને કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું.
નિલેશ માડલેવાળા એ વધુમાં જણાવ્યું હતું કે, લિવરનું દાન મુંબઈની નાણાવટી હોસ્પીટલના ડૉ. અંકુશ ગોલ્હાર અને તેમની ટીમે, બંને કિડની નું દાન અમદાવાદની IKDRCના ડૉ. વિરેન્દ્ર અને તેમની ટીમે, ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ગામ કોલગાંવથડી, તા. કોપરગાંવ, જી. અહેમદનગર, મહારાષ્ટ્રના રહેવાસી 12 વર્ષીય બાળકમાં મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં ડૉ. અનુરાગ શ્રીમલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. અંકુશ ગોલ્હાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ બાળકોમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.
સુરત થી મુંબઈ લિવર રોડ માર્ગે સમયસર પહોચાડવા માટે સૌ પ્રથમ વખત સુરત થી મુંબઈ સુધીનો 281 કિલોમીટરનો ગ્રીન કોરીડોર બનાવીને 225 મીનીટમાં લિવરને મુંબઈ નાણાવટી હોસ્પિટલ માં પહોચાડવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી ગ્રામ્ય, વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્રના વિવિધ જીલ્લા પોલીસનો સહકાર મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે ગુજરાતની બોર્ડર ભીલાડ ચેક પોસ્ટ થી મુંબઈની નાણાવટી હોસ્પિટલ સુધીના ગ્રીન કોરીડોર માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી એ પ્રત્યક્ષ દેખરેખ રાખી સહકાર આપ્યો હતો. હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 113 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1205 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 494 કિડની, 213 લિવર, 50 હૃદય, 46 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 389 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1106 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.