જાપાન: જાપાનના (Japan) ટોક્યોના (Tokyo) હનેડા એરપોર્ટ (Haneda Airport) પર આજે મંગળવારે લેન્ડિંગ (Landing) દરમિયાન એક એરક્રાફ્ટની (aircraft) અંદર ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. તેમજ આ પ્લેનમાં ઘણાં યાત્રીઓ (Passengers) ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પરિણામે એરપોર્ટ ઉપર ઉપસ્થિત કર્મચારીઓ સહિત યાત્રીઓ દોડતા થયાં હતાં. સામે આવેલા વીડિયો ફૂટેજમાં (Video Footage) પ્લેનની બારીમાંથી (Window) અને પ્લેનની નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે.
- જાપાનના ટોક્યોમાં લેન્ડિંગ દરમિયાન એક એરક્રાફ્ટની અંદર ભીષણ આગ લાગી
- પ્લેનની બારીમાંથી અને પ્લેનની નીચેથી ઉગ્ર જ્વાળાઓ બહાર આવતા દ્રશ્યો સામે આવ્યા
- 379 યાત્રીઓ સાથે ફ્લાઇટે ઉડાન ભરી હતી
- આગજનીમાં 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલો સામે આવ્યા
વિદેશી મીડિયાએ આ ઘટનાની ફૂટેજ જાહેર કરી છે. જેમાં પ્લેનની બારીની નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે. જાપાની મીડિયા અનુસાર જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો. તેમજ આ ફ્લાઈટે 379 યાત્રીઓ સાથે હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર બપોરે 1:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને સાંજે 5:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.
આ ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ સામે આવેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે એરબસ અથવા તો બીજું કોઇક પ્લેન કોસ્ટગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું. એરક્રાફ્ટની આગજનીમાં કેટલા લોકો હતા તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમજ પાંચ લોકો ગુમ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
સમગ્ર મામલે એક જાપાની ખાનગી ન્યૂઝ એજન્સીએ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થયેલી વિગતોના આધારે જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન અથવા એક એરબસ સાથે અથડાયું હોવાની આશંકા છે. તેમજ હાલ તેમાં ઘણા મુસાફરો ફસાયા છે. અહેવાલો અનુસાર જ્યારે પેસેન્જર પ્લેન લેન્ડ થયું તે જ સમયે જેએએલ 516 એરક્રાફ્ટ ઉડાન ભરી હતી.
જણાવી દઈએ કે જાપાનમાં દાયકાઓથી કોઈ ગંભીર કોમર્શિયલ એવિએશન અકસ્માત થયો નથી. દેશનો અત્યાર સુધીનો સૌથી ગંભીર અકસ્માત 1985માં થયો હતો. જ્યારે ટોક્યોથી ઓસાકા જતું JAL જમ્બો જેટ મધ્ય ગુન્મા વિસ્તારમાં ક્રેશ થયું હતું. ત્યાર બાદ 520 મુસાફરો અને ક્રૂ ના મોતના સમાચાર સામે આવ્યા હતાં.