આજે ૩૧ મી ડિસેમ્બર છે.વર્ષનો છેલ્લો દિવસ.દર વર્ષે થાય તેમ આ વર્ષે પણ બધાં કહેશે, અરે વર્ષ કયાં પૂરું થઇ ગયું ખબર જ ન પડી.વર્ષભરની વાતો થશે.સરવૈયા નીકળશે.રાત્રે થર્ટી ફર્સ્ટની પાર્ટી થશે.નવા વર્ષને વધાવવામાં આવશે અને નવા વર્ષ માટે નવા રિસોલ્યુશન પણ લેવાશે.ચાલો, આજે થર્ટી ફર્સ્ટને લગતું ઘણું વાંચ્યા બાદ વર્ષના છેલ્લા દિ વસે જાણીએ કે જનાર ૨૦૨૩નું વર્ષ નાની મોટી ઘટનામાં આપણને ઘણું ઘણું શીખવાડી ગયું. રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ કે ઈઝરાઈલ અને પેલીસ્ટાઇન વચ્ચેના યુધ્ધમાં સમજાયું કે યુધ્ધ કોઈ પ્રશ્નનો ઉકેલ છે જ નહિ.
માત્ર અને માત્ર બંને પક્ષનું નુકસાન છે. કોઈને વધારે કે કોઈને ઓછું.યુધ્ધથી આપણે દૂર જ રહેવું જોઈએ. ઇસરોની ચન્દ્રયાન ૩ ની સફળતાએ સમજાવ્યું કે આગળની નિષ્ફળતાઓથી ડરવું નહીં અને પાછા હટવું પણ નહિ.અસફળતાથી નાસીપાસ થયા વિના તેનાં કારણ અને ભૂલો સમજી લઈને ખામી શોધી કાઢીને તેને દૂર કરવાની કોશિશમાં સતત કાર્યરત રહેવું.નિષ્ફળતાથી ડરીને અટકવું નહિ.ફરી ઊભા થઈને આગળ વધવું, તો સફળતા મળશે જ. કિંગ ખાન શાહરૂખાન વર્ષો પછી રૂપેરી પડદે ચમક્યો.પઠાણ અને જવાનની ભવ્ય સફળતા વર્ષના એન્ડમાં પણ હજી એક સફળ ફિલ્મ ડન્કી. આ ભવ્ય કમબેકથી શીખવા મળ્યું કે સેટબેક પછી પણ એકદમ સ્ટ્રોંગ કમબેક શક્ય છે.
વિરાટ કોહલીએ વન ડેમાં ૪૯ મી સેન્ચ્યુરી કરી.સચિન તેન્ડુલકરના રેકોર્ડની બરાબરી કરી અને થોડા જ દિવસમાં ૫૦ મી સેન્ચ્યુરી કરી રેકોર્ડ બ્રેક પણ કર્યો. બધા જ કહેતા કે આ રેકોર્ડ કોઈ નહિ તોડી શકે.પણ રેકોર્ડ તૂટ્યો.આ પરથી શીખવા મળ્યું કે ગમે તેટલા ઇમ્પોસિબલ લાગતા ટાર્ગેટ સુધી પણ પહોંચવું પોસીબલ છે. વર્લ્ડ કપ ૨૦૨૩માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયાની હાર નિશ્ચિત જ લાગતી હતી, પણ મેકસવેલ એકલા હાથે લડ્યો.તેના પગનો સ્નાયુ ખેંચાયા બાદ પગના દુખાવા સાથે પણ રમ્યો.પગ હલાવી પણ ન શકે તેવી હાલતમાં પણ બેટિંગ કરવાનું ન છોડ્યું અને ૨૦૦ રન એકલા હાથે કરી પોતાના દેશને જીત અપાવી.
આ પરથી શીખવા મળ્યું કે નેવર ગીવ અપ.ક્યારેય હાર માની ન લો…કોઇ પણ સંજોગોમાં સતત એકલા ઝઝૂમતા રહો. વર્લ્ડ કપની આપણા દેશ ભારતની ટીમ ઇન્ડિયા અને મેન ઇન બ્લ્યુના ભવ્ય ખેલ.દસ એકસરખી જીત.બાદ છેલ્લે હાર થઇ અને વર્લ્ડ કપ જીતી ન શક્યા.કરોડો લોકોને દુઃખ થયું.આ પરથી શીખવા મળ્યું કે એ પણ યાદ રાખવું કે ગમે તેટલી મહેનત કરીએ,ઉચ્ચતમ પ્રયત્નો કરીએ, છતાં પણ જે થવાનું હોય તે થઈને જ રહે છે તે આપણે સ્વીકારવું જ પડે અને તેને પાછળ છોડી આગળ વધવું પડે. અને એક પલકારામાં આટલું બધું શીખવાડીને વર્ષ પૂરું થઇ ગયું,જે સમજાવે છે સમય વહેતો રહે છે.જીવન નાનું છે અને તેમાં કોઈ રી પ્લે કે રીવાઈન્ડ કે ડીલીટ કે ઈરેઝ જેવા ઓપ્શન જ નથી એટલે જે ઘડીએ જે મળે, જે રીતે મળે તે મેળવી લો અને માણી લો. ચાલો, આ સમજણ સાથે નવા વર્ષને વધાવીએ.નવા રીઝોલ્યુશન ઈએ.તે ન તૂટે તેનું ધ્યાન રાખીએ.હેપી ન્યુ યર.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.