સુરત(Surat): પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તેવા આશય સાથે મનપા (SMC) દ્વારા વિવિધ સાઈટ પર મકાન બનાવવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત વધુ 2339 આવાસ માટે મનપા દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યાં છે.
- મનપાનાં આવાસો માટેનાં ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ
- હવે 15 જાન્યુ. સુધી ફોર્મ ભરી શકાશે
- 2339 આવાસ માટે આજદિન સુધીમાં 53,000 ફોર્મ વહેંચાયાં
કુલ 4 સાઈટ પર આ આવાસો સાકાર થશે, જે માટેનાં ફોર્મનું વિતરણ 1 ડિસેમ્બરથી કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) પરથી શરૂ કરાયું છે. જે માટેની મુદત 31 ડિસેમ્બર સુધીની હતી, પરંતુ હજી ઘણા લોકોને બેંકોમાં ફોર્મ ન મળતા હોવાની ફરિયાદને પગલે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને 15 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે. આજદિન સુધીમાં 2339 આવાસ માટે 53,000 જેટલાં ફોર્મ વહેંચાઈ ચૂક્યાં છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અઠવા ઝોનની ટી.પી. સ્કીમ નં.43 (ભીમરાડ), ફા.પ્લોટ નં.109, સિદ્ધિ એલિપ્સ પાસે 928, લિંબાયત ઝોનની ટી.પી. સ્કીમ નં.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ) ફા.પ્લોટ નં.173, રિજન્ટ પ્લાઝાની બાજુમાં 63, અઠવા ઝોનની ટી.પી. સ્કીમ નં.13 (વેસુ-ભરથાણા), ફા.પ્લોટ નં.165 અને 166, કેપિટલ ગ્રીન્સની સામે 540 અને રાંદેર ઝોનની ટીપી સ્કીમ નં.46 (જહાંગીરપુરા), ફા.પ્લોટ નં.103, વિવેકાનંદ કોલેજની પાછળ 808 આવાસ મળી કુલ 2339 જેટલાં આવાસ બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે.
ભીમરાડ ખાતે 928 આવાસ બનાવવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. જ્યારે અન્ય ત્રણ સ્થળ પર આવાસ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. કોટક મહિન્દ્રા બેંકની શાખાઓ પરથી અરજદારો 15 જાન્યુઆરી સુધી ફોર્મ મેળવી શકશે અને ત્યારબાદ પુરાવા સાથે ફોર્મ બેંકની શાખામાં જમા કરાવવાના રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.