ગાંધીનગર, તા. 28
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને ગુજરાતની તમામ 26 બેઠકો જીતના લક્ષ્યાંકની રણનીતિ ઘડી કાઢવા આવતીકાલ તા. 29 અને 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપની મહત્વની બેઠક ગાંધીનગર કમલમ ખાતે યોજાશે.
પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ ભાજપની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 29 ડિસેમ્બરના રોજ ગાંધીનગર કમલમ ખાતે યોજાશે.
29 મી એ સવારે 9-00 વાગે બેઠકનો પ્રારંભ થશે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અને મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તેમજ પ્રજાલક્ષી કાર્યોને જનજનો સુધી કેવી રીતે પહોંચાડવા સહિતના વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.
ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે 29 અને 30 ડિસેમ્બરે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળનાર છે. તા. 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપના વિવિધ મોરચાની બેઠક સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.