SURAT

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ વિશે એક RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો, આ સુવિધા જ નથી!

સુરત(Surat) : એક આરટીઆઇ (RTI) અરજીના ઉત્તરમાં સુરત એરપોર્ટ (SuratAirport) વિશે નવી ચોંકાવનારી વાત સામે આવી છે. પર્યાવરણીય દૃષ્ટિકોણથી આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સુરત એરપોર્ટ ઓથોરિટી પાસે મળ નિકાલ અને વેસ્ટ વોટર ડિસ્ચાર્જ (Excreta disposal and waste water discharge) માટેની કોઈ સુવિધા જ ન હતી. એરપોર્ટ પરિસરમાં ખાડા ખોદી એનો નિકાલ કરવામાં આવતો હતો. એના લીધે GPCBએ પણ એરપોર્ટ ઓથોરિટીને નોટિસ પાઠવી હતી.

  • સુરત દેશનું એક માત્ર એવું ઈન્ટરનેશનલ એરપોર્ટ જ્યાં ડ્રેનેજ અને સુએજ કનેક્શન જ નથી
  • SMCનું ડ્રેનેજ કનેક્શન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં હોવા છતાં વડાપ્રધાનને લીધે શરતી પર્યાવરણીય મંજૂરી મળી
  • જૂના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી લેતાં પહેલાં ડેનેજ કનેક્શન સાથે STP બનાવવો પડશે
  • ઇન્ટરનેશનલનો દરજ્જો મળ્યા પછી એરપોર્ટ ઓથોરિટીએ જૂના ટર્મિનલના વિસ્તરણ પૂર્વે સુરત એરપોર્ટ માટે પાલિકા પાસે ડ્રેનેજ લાઇન કનેક્શનની માંગ કરી

નવાઈની વાત એ છે કે, સુરત એરપોર્ટ દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. જેની પાસે વેસ્ટ વોટર નિકાલની કોઈ અધિકૃત વ્યવસ્થા નથી. એટલું જ નહીં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ કોઈ સુવિધા નથી. SMCનું ડ્રેનેજ કનેક્શન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીધે શરતી પર્યાવરણીય મંજૂરી મળી હતી. હવે જૂના ટર્મિનલના વિસ્તરણ માટે ટેન્ડર બહાર પડવાનું છે. પર્યાવરણીય મંજૂરીની શરતોનું પાલન કરવા સરકારી દસ્તાવેજ મુજબ સુરત એરપોર્ટે સેનેટરી વોટરની ડ્રેનેજ લાઈન કનેક્શન માટે સુરત મહાનગરપાલિકાને અરજી કરી છે.

આ માંગણી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, એરપોર્ટ દ્વારા મળેલી પર્યાવરણીય મંજૂરી મુજબ તમામ પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલવાનું હોય છે અને ત્યાંથી શુદ્ધ પાણીનો ફરીથી ઉપયોગ કરવો પડે છે. 27મી જુલાઈ-2023ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ કરાયેલી અરજી મુજબ સુરત એરપોર્ટે આજદિન સુધી એસએમસી પાસેથી ડ્રેનેજ કનેક્શન લીધું ન હોવાનું સાબિત થાય છે.

એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને, નવા વિસ્તરેલા ટર્મિનલ બિલ્ડિંગ માટે પર્યાવરણીય મંજૂરી લેતી વખતે, તેના પોતાના મેમોરેન્ડમમાં લખ્યું હતું કે, તેની પાસે ન તો SMC તરફથી ડ્રેનેજ કનેક્શન છે કે, ન તો STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) છે. જો કે વર્ષ-2007માં જૂના ટર્મિનલ બિલ્ડિંગની પર્યાવરણ મંજૂરીમાં પૂર્વ શરત એસટીપી બનાવવાની હતી. પરંતુ હંમેશની જેમ સુરત એરપોર્ટનું વહીવટી તંત્ર મહત્ત્વની કામગીરી બેદરકારી ભૂલી ગયું હતું. અને પરિણામે ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણને અસર થઈ હતી.

પર્યાવરણીય મંજૂરીના અભાવે તેમાં 1-2 વર્ષનો વિલંબ થયો હતો. 2007થી 2023 સુધી, એરપોર્ટનું વહીવટી તંત્ર ખાડા અને સેપ્ટિક ટાંકીઓ દ્વારા મળમૂત્ર અને વેસ્ટ વોટરનો નિકાલ કરતું આવ્યું છે. જે પર્યાવરણના નિયમો મુજબ ગેરકાયદે હતું. હજારો લીટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કે રિ-સાઇકલ કર્યા વિના સુરત એરપોર્ટ સંકુલના ગ્રાઉન્ડમાં ડમ્પ કરવામાં આવ્યું છે. હજી ડમ્પ થઈ રહ્યું છે. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પર્યાવરણ અને પાણી બચાવવાની કલાત્મક ટ્વીટ્સ પોસ્ટ કરવામાં આવતી રહી છે. પરંતુ જમીની વાસ્તવિકતા જુદી હતી.

હવે જ્યારે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિસ્તરેલી બિલ્ડિંગની પર્યાવરણીય મંજૂરીની પૂર્વ શરત મુજબ બનાવવામાં આવ્યો છે, તો સુરત એરપોર્ટને SMC ડ્રેનેજ કનેક્શન લાઇનની શી જરૂર પડશે? અને શું તે વર્ષો જૂનો ખાડો અને સેપ્ટિક ટાંકી સાફ કરીને હંમેશ માટે બંધ કરી દેવામાં આવી છે કે તે હજુ પણ ઉપયોગમાં છે? એનો ઉત્તર મળ્યો નથી.

ટર્મિનલ બિલ્ડિંગનું અધિકૃત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હોવાથી અને પર્યાવરણીય મંજૂરી મુજબ હવે સંદર્ભની શરતોના અમલીકરણનો અહેવાલ સબમિટ કરવો જરૂરી છે. જેથી ભવિષ્યમાં જ્યારે ફરીથી નવું ટર્મિનલ બિલ્ડિંગ બનાવવું પડે ત્યારે બિનજરૂરી સમયનો બગાડ ન થાય.

Most Popular

To Top