બે સપ્તાહ સુધી ચાલેલી કશ્મકશનો આખરે સુખદ અંત આવ્યો. ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ શ્રમિકોને હેમખેમ બહાર લાવી શકાયા. માનવસર્જિત આ આપત્તિમાંથી માર્ગ કાઢવામાં પણ માનવસર્જિત ટેક્નોલોજીનો વિનિયોગ કરાયો. સાવ સાંકડા, બંધિયાર અને અંધારા વિસ્તારમાં બબ્બે સપ્તાહ સુધી જીવન ટકાવી રાખનારાં આ શ્રમિકો પર આ સમયગાળામાં શી વીતી હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. તો ધીરજ ધરીને તેમને સલામત બહાર કાઢવાના પ્રયત્નોમાં સહભાગી એકે એક જણનું પ્રદાન સરાહનીય છે.
પ્રત્યેક અકસ્માત કશુંક શીખવતો જતો હોય છે જો કોઈએ એમાંથી કશું શીખવું હોય તો. ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ પરિયોજના અંતર્ગત બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચારે પવિત્ર ગણાતા ધામને સડકમાર્ગે જોડવાનો પ્રકલ્પ કાર્યરત છે. સિલક્યારા ટનલ આ પ્રકલ્પનો જ એક હિસ્સો હતી. પ્રકલ્પમાં આશરે ૯૦૦ કિ.મી.સડક તૈયાર કરવાનું યા તેની પહોળાઈ વધારવાનું લક્ષ્ય છે. દેખીતું છે કે ભૂપૃષ્ઠને એની સીધી અસર થાય. હિમાલયનું ભૂપૃષ્ઠ અતિ નાજુક છે, જેનો પરચો અવારનવાર મળતો રહે છે. શ્રમિકોના ફસાવાની ઘટના એનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ છે. આ પ્રકલ્પ હવે એટલો આગળ વધી રહ્યો છે કે તેનાથી જે નુકસાન થશે એ ભોગવ્યા વિના કોઈ આરો નથી.
કેવળ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ચાલી રહેલી વિકાસની દોડે પર્યાવરણનો, કુદરતનો ખો કાઢી નાખ્યો છે. તેની વિપરીત અસરની જાણકારી તો છે જ, હવે તો તેનાં વિપરીત પરિણામ પણ નજર સામે જોવા મળી રહ્યાં છે, છતાં એ અટકવાનું નામ લેતી નથી. આ પરિણામ કેવાં કેવાં સ્વરૂપે જોવા મળી શકે એ જાણવા માટે નવેમ્બર, ૨૦૨૩માં બનેલી કેટલીક છૂટીછવાઈ ઘટનાઓ જોઈએ. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં એક વિચિત્ર દુર્ઘટના બની.
અહીંના રાજાભાતખાવા વન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી, અલીપુરદ્વારથી સીલીગુડી જઈ રહેલી એક માલગાડી સાથે ટકરાઈને ત્રણ હાથીનાં મોત થયાં. આમ તો, અલીપુરદ્વારના વનવિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે ‘ઈન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ’(આઈ.ડી.એસ.) લગાવવામાં આવેલી છે. પણ આ વિસ્તારને તેની અંતર્ગત આવરી લેવાયો નથી. બિચારા હાથીઓને ઓછી ખબર હોવાની કે તેમના માટે કયો વિસ્તાર સુરક્ષિત છે અને કયો નહીં!
કર્ણાટકના ચિકમગલૂરુ જિલ્લાના હોસ્કેરે ગામ પાસે હાથીએ ‘ઍલિફન્ટ ટાસ્ક ફોર્સ’(ઈ.ટીએ.એફ.)ના સભ્યો પર હુમલો કર્યો. ‘ઈ.ટી.એફ.’દ્વારા વન વિસ્તારમાંથી રહેણાંક વિસ્તાર તરફ આવી ગયેલા હાથીને પાછો પોતાના વિસ્તારમાં મોકલવાની કામગીરી ચાલી રહી હતી. સ્વાભાવિક છે કે આવી કાર્યવાહી દરમિયાન હાથી છંછેડાયેલો હોય. આ હુમલામાં છવ્વીસ વર્ષીય કાર્તિકનું મૃત્યુ થયું, જ્યારે ‘ઈ.ટી.એફ.’ના ચાર સભ્યો ઘવાયા. લગભગ આ જ સમયગાળામાં ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં હાથીઓના એક ટોળાએ આક્રમણ કર્યું. ચાકુલિયા ક્ષેત્રના ઘાટશિલા વિસ્તારના સુનસુનિયા ગામ પાસેના આ હુમલામાં હાથીઓએ સંતોષ નામના એક છવ્વીસ વર્ષીય યુવકને કચડી નાખ્યો.
આ ઘટનાના થોડા દિવસ પહેલાં કર્ણાટકના જલસુરનગર પાસે આવેલી વનવિભાગની નર્સરીમાં એક હાથી આવી ચડ્યો હતો. કેરળથી આવેલા આ હાથીએ નર્સરીમાં આઠથી દસ હજાર રોપાઓનો ખંગ વાળી દીધો હતો. કર્ણાટકના જ કલમંજામાં આવી ચડેલા ત્રણ હાથીઓએ કેળના વાવેતરનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ તમામ ઘટનાઓ દેશના અલગ અલગ રાજ્યોના અલગ વિસ્તારોમાં બનેલી છે. એ તમામમાં સામાન્ય તત્ત્વ હોય તો હાથીઓ દ્વારા કરાયેલું જાનમાલનું નુકસાન. સમાચારપત્રો માણસો દ્વારા ચલાવવામાં આવે છે, નહીં કે હાથીઓ દ્વારા. આથી સમાચારમાં એમ જ જણાવાય છે કે હાથીઓ માનવવિસ્તારમાં ઘૂસી ગયા. હકીકત એનાથી સાવ ઊંધી છે. વિકાસમાં એક યા બીજા પ્રકારનાં સતત ચાલતાં રહેતાં કામોને કારણે વનવિસ્તાર દિનબદિન સંકોચાતો રહે છે. હાથી એક દિવસમાં સરેરાશ ત્રીસેક માઈલ જેટલા વિસ્તારમાં વિચરણ કરતા હોય છે. પોતાના વિશાળ કદને અનુરૂપ ખોરાક અને પાણી મેળવવા માટે હાથી રહેણાંક વિસ્તારમાં આવી ચડવાના બનાવોમાં વધારો થતો રહ્યો છે. ખરું જોતાં હાથી મનુષ્યના વિસ્તારમાં ‘ઘૂસતા’નથી. મનુષ્યો હાથીના વિસ્તારમાં કદમપેશી કરતા રહ્યા છે.
ઉત્તરાખંડના શ્રમિકોની ઘટના હોય કે વિવિધ સ્થળોએ થતાં વન્ય પશુઓને આક્રમણની, તેના કારણમાં પર્યાવરણ અને પ્રકૃતિ સાથે કરાતાં ચેડાં જવાબદાર છે. જે રીતે હવે પ્રવાસન ઉદ્યોગ ફૂલીફાલી રહ્યો છે અને તેમાં જે પ્રકારે નાણાં ઠલવાઈ રહ્યાં છે એ જોતાં આ હજી આરંભ છે એમ કહી શકાય. પ્રવાસનને કારણે વન્ય પશુઓ પર, પ્રકૃતિ પર સતત દબાણ ઊભું થતું રહે છે. હજી પ્રવાસીઓમાં એટલી શિસ્ત નથી વિકસી કે તેઓ પ્રકૃતિને અનુરૂપ થઈને પ્રવાસ માણે. તેઓ પ્રકૃતિને પોતાની જરૂરિયાત મુજબ કેળવવા જાય છે.
મોટા ભાગનાં પ્રવાસન સ્થળોએ આ વલણ જોઈ શકાશે. આને કારણે પ્રવાસન સ્થળો નાણાંના વેડફાટ, કચરાના ઢગ અને ભીડભાડનાં કેન્દ્રો બનવા લાગ્યાં છે અને જે પણ આમાંથી બાકાત રહ્યાં છે એ ક્યાં સુધી આ આક્રમણ સામે ઝીંક ઝીલી શકશે એ સવાલ છે. આ જાણીને એમ સવાલ થઈ શકે કે આમાં વ્યક્તિગત સ્તરે, એક નાગરિક તરીકે કશું કરવું શક્ય છે ખરું? એટલું તો શક્ય અવશ્ય છે કે ફરવાનો બહુ શોખ હોય તો કોઈ પણ સ્થળે આપણે જઈએ ત્યારે ત્યાંની પર્યાવરણપ્રણાલીને માન આપીએ અને આપણી આદતો ત્યાં લઈ જવાને બદલે એ સ્થળને અનુકૂળ થવા પ્રયત્ન કરીએ. આપણા તરફથી ત્યાં લઘુતમ પ્રદૂષણ ફેલાય એવો પ્રયત્ન કરીએ અને માત્ર પ્રવાસન સ્થળે જ કેમ? આપણા પોતાના સ્થાને પણ આ કેમ ન થઈ શકે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.