સુરત(Surat): શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી મેટ્રોની (SuratMetro) કામગીરી ચાલી રહી છે, પરંતુ મેટ્રોનું કામ કરતી વખતે લોકોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી, જેના લીધે અવારનવાર અકસ્માતોના (Accident) કિસ્સા બની રહ્યાં છે. થોડા સમય પહેલાં ઉધના દરવાજા નજીક મેટ્રોની એક ભારેખમ ક્રેઈન દોડતી રિક્ષા પર પડી હતી. સદ્દનસીબે રિક્ષા ચાલક બચી ગયો હતો.
ત્યાર બાદ પાલનપુર જકાતનાકા પાસે મેટ્રોના ખુલ્લા ખાડામાં ભરાયેલા પાણીમાં પડીને ડૂબી જવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત મેટ્રો દ્વારા ગમે ત્યાં માટી ફેંકવી, પતરાં તાણી દેવા જેવા કિસ્સા તો સામાન્ય બન્યા છે. ત્યારે આજે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર માટીનું કીચડ જમા થવાની ઘટના બની હતી. આ કીચડ ઓવરબ્રિજ સુધી પહોંચી ગયું હતું, જેને સાફ નહીં કરવામાં આવતા સવારે નોકરી ધંધા પર જતા બાઈકચાલકો સ્લીપ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે બુધવારે સવારે પુણા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન માટીનું કીચડ ફલાય ઓવર બ્રિજ સુધી પહોંચી ગયું હતું. જેથી સવારે નોકરી ધંધા પર જવા માટે નીકળેલા બાઈક ચાલકો સ્લીપ થઈ ગયા હતા. અનેક બાઈક ચાલકોને નાની મોટી ઈજા થઈ હતી. કપડાં બગડી ગયા હતા. ઈજાગ્રસ્તોની સારવાર માટે 108ને બોલાવવાની ફરજ પડી હતી.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર વિશ્વકર્મા ફલાય ઓવર બ્રિજ પર માટીનું કીચડ પથરાયું હતું. જેથી બાઈકો સ્લીપ થઇ જતી જોવા મળી હતી. બાઈક સ્લીપ થતા વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ખરેખર બન્યું એવું હતું કે રાતના સમય દરમિયાન મેટ્રોની કામગીરી ચાલતી હતી ત્યારે મોટા પ્રમાણમાં માટી હટાવવામાં આવી હતી. આ માટી ઢોળાઈને ઓવરબ્રિજ પર પડી હતી. જેથી કીચડ થયું હતુ. સવારના બાઈક ચાલકો કંઈ સમજે તે અગાઉ જ ચીકણી માટીમાં ફસાઈને લપસી પડતાં હોવાનું સામે આવ્યું હતું. જેથી તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાઈ છે.