૨૩/૧૨ ના શનિવારના મિત્રમાં ‘ ભગવદ્ ગીતા ‘( મહાભારતના યુદ્ધ વચાળે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ ( સંદેશ) અંગેનો તંત્રીલેખ મનનીય રહ્યો.( ‘ પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ ) પરિસ્થિતિ અને મન: સ્થિતિ વચ્ચેની આવી ફિલોસોફી રજૂ કરતો ગ્રંથ.ગીતા જયંતી ‘ ઊજવો કે નહીં પણ ‘ ગીતાસાર ‘ સમજવાની કોશિશ જરૂર કરવી જોઈએ એવી મીઠી ટકોર કરી છે. ‘ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ‘ ના શ્લોક દ્વારા માત્ર કર્મ પર જ વ્યક્તિનો અધિકાર છે, ફળ પર નહીં. અકર્મણ્ય પ્રત્યે કદી આસકત ન થવા પર ભાર મૂક્યો છે.કોઈકે સાચું જ કહ્યું છે કે “ ગીતાજી એ મૃત્યુ પછી વાંચવાનો વિષય નથી, જીવતેજીવત વાંચવાનો, સમજવાનો, જીવનમાં ઉતારવાનો વિષય છે.( મૃત્યુ પછી આત્માની સદ્ગતિ માટે ‘ ગીતા પાઠ’ રખાય એ એક અલગ વાત છે.)જીવનમાં દરેકે ડગલે ને પગલે કર્મયુદ્ધ ( ધર્મયુદ્ધ ) લડવાનું છે. તો એને એક ઊંચી ફિલોસોફી ( સમજ) સાથે લડવામાં આવે! આખું પુસ્તક ન વંચાય અને એનો સાર તત્ત્વ ગ્રહણ થાય તો પણ જીવનની સાર્થકતા!
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
યુવાનો અને વિદેશપ્રેમ
આપણા દેશમાં એવી તો શું ખામી છે કે યુવા વર્ગ ભણતર માટે વિદેશ તરફ દોટ મૂકે છે. લાખો યુવાવર્ગ કેનેડા- અમેરિકા-બ્રિટન તરફ જવા માંડયા છે. એનું મૂળ કારણ આપણી વોટ બેન્ક, આપણું પોલીટીકસ, ભણતરમાં અનામત શીટ, નોકરીમાં અમુક વર્ગને જ પ્રાધાન્ય એટલે કે એકને ગોળ અને એકને ખોળ. તો પછી બીજો વિકલ્પ વિદેશ જ છે. ત્યાંની એક એન્ટ્રસ એકઝામ આપે એટલે ત્યાં શિક્ષણ- નોકરી અને હવે તો છોકરી પણ ત્યાં જ પાકી કરી નાખે છે. વિદેશ લઈ જવા માટે એટલા બધા એજન્ટો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે કે આખી પ્રોસેસ આસાનીથી થઇ જાય છે.
સારું શિક્ષણ મેળવીને ડોલરમાં કમાવા માંડે છે પછી એને ભારતની શું કામ ફિકર હોય? મહેનત કરવાવાળો માણસ કયાંય પણ જાય પાછો નથી પડતો અને અહીં અનામતના લીધે લોકો વિદેશ તરફ જવાનો પ્રયાસ કરે છે તેમાં કાંઇ ખોટું પણ નથી. ડોલરમાં કમાણી- લકઝરીયસ લાઇક-ચોખ્ખું એન્વાયરમેન્ટ, સેફટીની લાઇફ અને હેપી લાઇફ ભલે દેશપ્રેમ હોય પણ આ અનામતને લીધે હોશિયાર વિદ્યાર્થી વિદેશનો વિકલ્પ પસંદ કરે છે તેમાં કંઇ જ ખોટું નથી. આપણા હોશિયાર વિદ્યાર્થીઓ દેશ છોડીને જાય છે તેનું મૂળ કારણ જ અનામત છે, એને સમજવાની જરૂર છે. આવા વિદ્યાર્થીને સાંભળવાની જરૂર છે. નહીંતર સારો વર્ગ ભારત છોડીને જતો જ રહેશે.
સુરત – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.