Charchapatra

બીજાનું શું એ વિચાર્યું છે?

તાજેતરમાં એક નેતાને ત્યાં દરોડો પડતાં એને ત્યાંથી બેનંબરી 300 કરોડ રૂ. પકડાયા. બીજી બાજુ એક અધિકારીને ત્યાંથી 400 કરોડ પકડાયા. આટલી જંગી માત્રામાં રૂ. ઘરભેગા કરનારાં કયારેય બીજાં દેશવાસીઓનું શું? એ વિચારતા જ નથી. હમણાં એક જૈન યુવાનનું મૃત્યુ થયું, જે છુટક નોકરી કરી પરિવાર ચલાવતો હતો. મૃત્યુ પછી અંતિમવિધિનો ખર્ચ નાના ભાઈએ કર્યો. હોસ્પિટલનું બીલ ભર્યું. કરિયાણા બીલ-લાઈટબીલ, ગેસબીલ પણ ચુકવ્યું. ત્યાર બાદ આજુબાજુ રહેતાં અન્ય જૈન પરિવારોએ 1000-2000 કાઢી 20 25 હજાર મરનાર યુવાનના પરિવાર માટે ભેગા કરી આપ્યા.

જૈનોની એક સંસ્થાએ મરનારના બીજા ધોરણમાં ભણતા દીકરાની સ્કૂલ ફી ભરવાની જવાબદારી લઇ લીધી. આ બધું થયું. જૈન સમાજની સમજદારી અને સંગઠન શક્તિના કારણે. પરંતુ દરેક સમાજમાં આવાં તો હજારો લાચાર પરિવારો હશે તેમનું શું? આપણી આજુબાજુ સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં એવાં પરિવારો હશે, જેની પાસે ન તો હોસ્પીટલનું બીલ ચુકવવાના રૂ હોય, ન બાળકોની ફી ભરવાના રૂ. હોય. સોસાયટી મેઈન્ટેનન્સ પણ ભરવાના ફાંફા પડે એવા લાચાર નિરાધાર પરિવારોનું શું? એ કોઇ વિચારે છે? હરામના 300/400 કરોડ ઘર ભેગા કરનારાયે નથી વિચારતા. એમના માટે  ધાક બેસાડવાની જરૂર છે.
સુરત     – જિતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કુટુંબભાવના
કુટુંબના મોભીઓની આમન્યા સદાકાળ જળવાતી હોય, પરિવારનાં નાનાં-મોટાં તમામ સભ્યો વચ્ચે નીતિમત્તાભર્યો-લાગણીસભર અને પ્રામાણિક વ્યવહાર સચવાતો હોય, સ્વાર્થાંધ-કામાંધ-અનૈતિક આંખમીંચામણાંના ખેલની સદંતર ગેરહાજરી હોય અગર પરસ્પરને હીન ચિતરવાની પ્રવૃત્તિ ન થતી હોય, વાર-તહેવારે યા સાજે-માંદે અગર સહજપણે એકબીજાના ઘરે આવનજાવન ચાલતી હોય, કુદરતી-અકુદરતી યા કારમી કરુણ ઘટનાઓ વેળાએ વિના વિલંબે બહાનાંબાજી વગર સર્વે એકત્રિત થઇને મુસીબતો અંતરાયો મારી હઠાવાતા હોય વિગેરે કુટુંબ ભાવનાના પરિચાયક છે.

માલમિલકતના વિવાદોના મામલા પરસ્પર સમજૂતીથી સૂલઝાવાતા હોય, લગ્નની કંકોતરી-યજ્ઞોપવીતની કંકોતરી વાસ્તુપૂજનની કંકોતરી અથવા બેસણાં શ્રધ્ધાંજલિની જાહેરખબરમાં સમસ્ત પરિવારજનોની નામાવલિ જાહેરમાં સમાજમાં ટીકાટિપ્પણ ના થાય એવી રીતે પ્રસિધ્ધ થતી હોય તથા કોઇ પારિવારિક મનદુ:ખ અગર અવગણના ટાણે માફી-પ્રાયશ્ચિત બદલી સમજૂતીથી નિકાલ લવાય આદિ પરિવારના અને કુટુંબભાવનાના દ્યોતક છે.
અમદાવાદ         – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top