ભરૂચ(Bharuch): ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં (Ankleshwar) વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ (Asian Paints) કંપનીમાં ભીષણ આગની (Fire) ઘટનાને લઈ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલો સામે આવ્યા નથી. આ ઘટના સમયે અંદર રહેલા 15 કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા.
- અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીના પ્થેલિક વિભાગમાં ભીષણ આગ, 3 કલાકે કાબુમાં આવી
- યુટીલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગતા દોડધામ
- 8 જેટલા ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર ત્રણ કલાકે કાબુ મેળવ્યો
- આગગ્રસ્ત કુલિંગ ટાવર નજીક કામ કરતા 15 કર્મચારીઓ બહાર દોડી આવતા સલામત બહાર આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ્સ કંપનીના પ્થેલિક વિભાગમાં ગુરૂવારે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. એ વેળા 7.15 કલાકના અરસામાં યુટીલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી.
કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા DPMC ના ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા. ભડકે બળતા કુલિંગ ટાવર સાથે આગના ધુમાડા નીકળતા અફરાતફરીના માહોલ સાથે દોડધામ મચી ગઇ હતી.
કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્રણ કલાક સુધી 8 જેટલા ફાયર ફાઈટરોના પાણીના મારા બાદ ત્રણ કલાકે આગ કાબુમાં આવી હતી. આ અંગે DISHના અધિકારીઓ આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે, ઘટનામાં કોઇ જાનહાનિ કે કોઈને ઇજા થઈ નથી.