SURAT

વેસુનો 1 વર્ષનો પ્રિન્સ 13 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યો, પણ આખરે હારી ગયો

સુરત: વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાનમંત્રી આવાસની બાંધકામ સાઈટ ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની અડફેટે આવી ગયું હતું. બાળક 13 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યો હતો પરંતુ આખરે તેણે દમ તોડી દીધો હતો. માસુમ બાળકનો જમણો હાથ ખભાથી છૂટો પડી ગયેલી હાલતમાં જોઈ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 13 દિવસ પહેલાં ઘટના બની હતી. વેસુમાં નવ નિર્મિત આવાસના બાંધકામ સાઈડ ઉપર લોડિંગ લિફ્ટની અડફેટે 1 વર્ષનો બાળક આવ્યો હતો. બાળક રમતા રમતા લિફ્ટ પાસે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે એક વર્ષના બાળકનો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. પરિવાર કપાઈ ગયેલો હાથ અને લોહી લુહાણ હાલતમાં બાળક ને લઈ સિવિલ દોડ્યું હતું.

વધુમાં ઉમેર્યું હતું કે, ઘટના પ્રધાન મંત્રી આવાસ યોજનામાં સવારે બની હતી. બાળક રમતા રમતા લોડિંગ લિફ્ટના મશીન નજીક જતો રહ્યો હતો. ત્યાં લિફ્ટની અડફેટ લાગતા બાળકનો હાથ મશીનમાં આવ્યા બાદ કચડાઈને ખભાથી છૂટો પડી ગયો હતો. બુમાબુમ થઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા. તાત્કાલિક ખાનગી વાહનમાં બાળકને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો.એક વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 બિલ્ડિંગના કામ ચાલી રહ્યું હતું.

બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે માસુમ બાળકનો પિતા મુકેશ રાવ આવાસની બાંધકામ સાઈટ પર કામ કરે છે, તેના બે સંતાન છે. જેમાં નાના પુત્ર પ્રિન્સ (ઉં.વ.1) બાંધકામ સાઈટ ઉપર રમતા રમતા લોડિંગ લિફ્ટના મશીન પાસે ચાલી ગયો હતો. અચાનક લિફ્ટના મશીનમાં માસુમ પ્રિન્સ એ પહેલા કાપડનો કોઈ ભાગ આવી જતા હાથ ખેંચાઈ ને મશીનમાં કપાઈ છૂટો પડી ગયો હતો. બાળકના રડવાના અવાજ થી ભાગદોડ મચી ગઇ હતી. સિવિલમાં માસુમ પ્રિન્સનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં સરી ગયું હતું. ડોક્ટરોએ માસુમ પ્રિન્સ ને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top