SURAT

રસ્તાઓ પર લારી ગલ્લાના દબાણ દૂર કરવા સુરત મનપા ટેક્નોલોજીના સહારે

સુરતઃ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી શહેરના રસ્તાઓ પર લારી ગલ્લા તથા ગેરકાયદે બાંધકામ કરી દબાણ કરનારાઓ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાના દરેક ઝોનમાં રોજ રોજ દબાણ દૂર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, સુરત મનપાના વહીવટી તંત્રએ એક કદમ આગળ વધીને હવે ઝીરો દબાણ અભિયાન હેઠળ કામગીરી થઈ રહી છે કે નહીં તેની પર નજર રાખવા પણ સિસ્ટમ વિકસાવી છે.

સુરત મનપા દ્વાર દબાણ દૂર થયા કે નહીં તે ચેક કરવા માટે પેટ્રોલિંગ વાહનો દોડાવવાનું શરૂ કર્યું છે. ચોર લૂંટારાઓને પકડવા માટે પોલીસ વિભાગ પેટ્રોલિંગ કરે તે જ રીતે હવે દબાણકર્તાઓને પકડવા માટે સુરત મનપાએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જોકે, સુરત મનપાએ એક કદમ આગળ વધી પેટ્રોલિંગ કરતા વાહનો પર નજર રાખવા ટેક્નોલોજીની મદદ લીધી છે. આ વાહનો પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફીટ કરી દેવામાં આવી છે. તેથી પેટ્રોલિંગ કરતા વાહનના કર્મચારી કામચોરી નહીં કરે. સુરત મનપાનો સ્ટાફ કંટ્રોલ રૂમમાંથી બેઠાં બેઠાં જીપીએસ સિસ્ટમની મદદથી આ વાહનો ક્યાં ફરી રહ્યાં છે તેની પર નજર રાખે છે.

સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ કરતા વાહનો પર મોનિટરીંગ કરવા માટે વાહનો પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફીટ કરાઈ છે. આઈ ટ્રીપલ સીની મદદથી તેનું મોનિટરીંગ કરવામાં આવે છે. કામગીરીના ટાર્ગેટ પ્રમાણે રૂટ પર પેટ્રોલિંગનું ક્રોસ ચેક કરવામાં આવે છે.

117 રૂટના 37 રૂટ પરથી દબાણ દૂર કરાયા
સુરત મનપા દ્વારા ઝીરો દબાણ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના 117 રૂટ પરના 37 રસ્તાઓ પરથી દબાણ દૂર કરાયા છે. આ દબાણ દૂર થયા બાદ પેટ્રોલિંગ વ્હીકલ દબાણની કામગીરી પર નજર રાખે છે.

વરાછા એ ઝોનમાંથી 25 વર્ષ જૂનું મકાન તોડી પડાયું
સુરત મનપાના વરાછા એ ઝોન દ્વારા આજે 0 દબાણની કામગીરી હેઠળ કાપોદ્રામાં ધારૂકા ફૂટ માર્કેટ પાસે ટીપી રસ્તાને નડતરરૂપ 60.00 મીટર પહોળાઈ ધરાવતા 25 વર્ષ જૂના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. આ સાથે ધારૂકા ફૂટ માર્કેટ પાસેની ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે.

Most Popular

To Top