આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાક પર સંશોધન કરવામાં આવે છે. જેમાં ઘઉં પર થતાં સંશોધનમાં વધુ ભાર મુકવામાં આવ્યો છે. આ અંગે યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકો દ્વારા મેક્સિકો ખાતે ઘઉંની જાત સુધારણા અંગેની તાલીમ લેવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હિતિક્ષા કે. પરમારે લીધેલી તાલીમથી રાજ્યમાં ખાસ કરીને વધુ પિયત અને ખાતરના ઉપયોગથી અસર પામેલી જમીનમાં ક્ષાર પ્રતિકારકતા ધરાવતી ઘઉંની નવી આશાસ્પદ જાતો અને તજજ્ઞતાઓ વિકસાવવાની કામગીરીને વેગ મળશે અને રાજ્યના ખેડૂતોને ભવિષ્યમાં લાભ થશે.
આ તાલીમમાં ઘઉં અંગેના સંશોધનમાં વિશ્વ કક્ષાએ નામાંકિત વૈજ્ઞાનિકો ડૉ. રવિ પી. સિંઘ, ડૉ. પવન કે. સિંઘ અને ડૉ. વેલુ ગોવિંદે ઘઉં અંગેના પ્રવર્તમાન સંશોધનના વિવિધ આયામો અંગે તેમજ ભવિષ્યની સંશોધનની જરૂરીયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા યુવા સંશોધન વૈજ્ઞાનિક ડો. હિતિક્ષા કે. પરમારને ઇન્ટરનેશનલ મકાઈ અને ઘઉં સુધારણા કેન્દ્ર, મેક્સિકો ખાતે ઘઉં પાકમાં રોગ પ્રતિકારકતા અને જનીનિક વૃદ્ધિ માટે પાક સંવર્ધન અંગેની તાલીમ દરમિયાન ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા, કર્નાલ મારફ્તે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી, ભારત સરકાર તરફથી નોમીનેટ કરવામાં આવ્યાં હતાં. આ તાલીમથી રાજ્યને અને આણંદ કૃષિ યુનિવર્સિટીની સંશોધન પ્રવૃતિઓને વેગ મળશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયા તેમજ સંશોધન નિયામક ડો. એમ. કે. ઝાલાએ યુવા વૈજ્ઞાનિક ડો. હિતિક્ષા કે. પરમારને પ્રોત્સાહિત કર્યાં હતાં.
ગુજરાતમાં ધાન્ય પાકોમાં ઘઉં એ મુખ્ય પાક હોઈ, રાજ્યમાં અને વિશેષ કરીને મધ્ય ગુજરાતમાં ઘઉંનાં સંશોધનમાં આ તાલીમ આણંદ કૃષિ યુનિવર્સિટીને વૈજ્ઞાનિકોને ખુબ જ ઉપયોગી થશે. જેનો લાભ સીધી રીતે ખેડૂતોને થશે. આ તાલીમમાં ગ્રીન હાઉસમાં સ્પીડ બ્રીડીંગ અને પ્રાથમિક રીતે પસંદગી પામેલા ડૂન્ડીમાંથી ઇચ્છિત લક્ષણો ધરાવતા દાણાની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રીન હાઉસમાં નિયંત્રિત પરિસ્થિતિ ઉભી કરીને તેમજ ફિલ્ડમાં રોગ પ્રતિકારક જાતોની ચકાસણી અને પસંદગી કરવાનું કૌશલ્ય વિકસાવવામાં આવ્યું હતું. ઘઉંમાં આવતા તમામ પ્રકારના ગેરૂના રોગના સ્ક્રીનીંગ વિશેના સંશોધન પર ભાર આપવામાં આવ્યો હતો.
તાલીમ લેનારા રાજ્યના એકમાત્ર વૈજ્ઞાનિક
ગુજરાતમાંથી આ તાલીમ માટે નોમીનેટ થનારા હિતિક્ષા પરમાર એક માત્ર વૈજ્ઞાનિક હતા. સાડા ત્રણ માસ સમયગાળાની આ તાલીમમાં ઘઉં પાકમાં મોલેક્યુલર કક્ષાએ નવા ગુણધર્મો દાખલ કરવાની તેમજ ક્ષેત્રિય કક્ષાએ તેની ચકાસણી કરવાની સઘન સંશોધન કામગીરી ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.