SURAT

SGCCIએ નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા ઉદ્યોગ મંત્રી સમક્ષ રજૂઆત કરી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના (SGCCI) હોદ્દેદારોએ કાપડ ઉદ્યોગના (Textile Industry) ઝડપી વિકાસ હેતુ ઉદ્યોગ મંત્રીને નવી ટેક્ષ્ટાઇલ પોલિસી (New Textile Policy) વહેલી તકે જાહેર કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની હાલની ટેક્ષ્ટાઇલ પોલિસી તા. 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરી થઇ રહી છે. અગાઉ ગુજરાત સરકારે કયારેય પણ ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે બ્લેકઆઉટ પિરિયડ રાખ્યો નથી ત્યારે કોઇપણ પ્રકારના બ્લેકઆઉટ પિરિયડ રાખ્યા વગર નવી ટેક્ષ્ટાઇલ પોલિસી વહેલી તકે જાહેર કરવા માટે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ હતી.

વર્ષ 2019ની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં સ્પીનિંગ ક્ષેત્રનો સમાવેશ કરાયો ન હતો તથા વર્ષ 2012ની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં માત્ર કોટન સ્પીનિંગને ઇન્સેન્ટીવનો લાભ આપવામાં આવ્યો હતો, આથી ગુજરાત સરકારની જે નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર કરવામાં આવશે તેમાં મેન મેઇડ ફાયબરના સ્પીનિંગ સેકટરને આવરી લેવાની માંગ સાથે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. હાલની ટેક્ષ્ટાઇલ પોલિસીમાં હાઇ ટેન્શન અને લો ટેન્શન વીજ કનેકશન ધરાવનારા ટેક્ષ્ટાઇલ એકમોને એલટીમાં રૂપિયા 2 અને એચટીમાં રૂપિયા 3 પ્રતિ યુનિટ પાવર સબસિડી આપવામાં આવી હતી ત્યારે આ લાભ નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં પણ ચાલુ રહે તેવી વિનંતિ કરવામાં આવી હતી.

નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, પ્રિપરેટરી, ડાઇંગ પ્રોસેસિંગ તથા એમ્બ્રોઇડરી વિગેરે સેકટરોને સામેલ કરાયા હતા ત્યારે આ સેકટરોને નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં પણ સામેલ રાખવા ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગાણા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સ્થાનિક સરકાર દ્વારા ટેક્ષ્ટાઇલ એકમો માટે કેપિટલ સબસિડી આપવામાં આવે છે, આથી ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનું પ્રાવધાન રાખવા વિનંતી કરી જૂની પોલિસી પ્રમાણેની સબસિડી અને સહાય આપવાની માંગ ઉદ્યોગ મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.

તદુપરાંત રિન્યુએબલ એનર્જીના ઇકવીપમેન્ટ નાંખનારા ટેક્ષ્ટાઇલ એકમોને સ્પેશિયલ ઇન્સેન્ટીવ આપવા રજૂઆત કરવામાં આવી હતી. સસ્ટેનેબલ ટેક્ષ્ટાઇલનું પ્રોડકશન કરનારા એકમોને પણ સસ્ટેનેબલ ટેકનોલોજી માટે 50 ટકા સુધીનું કેપિટલ ઇન્સેન્ટીવ મળી રહે તેવું પ્રાવધાન કરવા વિનંતી કરવામાં આવી હતી.

ચેમ્બર પ્રમુખે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વહેલી તકે નવી ટેક્ષ્ટાઇલ પોલિસી જાહેર કરાશે તો ઘણા નવા પ્રોજેકટ પાઈપલાઇનમાં છે ત્યારે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ઝંપલાવી રહેલા ઉદ્યોગ સાહસિકો તેનો લાભ લઇ શકે તેમ છે. ચેમ્બર ઓફ કોમર્સદ્વારા કરાયેલી રજૂઆતના તમામ મુદ્દાઓને નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં આવરી લેવાશે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને તેનો લાભ મળશે.

ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા કરાયેલી ભારપૂર્વક રજૂઆતને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી. ગુજરાતમાં કાપડ ઉદ્યોગના ઝડપી વિકાસ હેતુ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે તે અંગે તેમણે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને ગુજરાત સરકારની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં તમામ મુદ્દાઓનો સમાવેશ કરવાની તેમજ વહેલી તકે પોલિસી જાહેર કરવાની ખાતરી આપી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો અને ઇન્ડસ્ટ્રીની વિવિધ માંગ વિશે ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી, જે અંગે ઉદ્યોગ મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.

Most Popular

To Top