સુરત (Surat): સચિનના સાતવલ્લા બ્રિજ ઉપર પતંગના દોરાએ (Kite Thread) મોપેડ સવારનું ગળું કાપી (Cut the throat) નાંખતા તેને ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો હતો. રવિવારની સાંજે બનેલી ઘટના બાદ યુવક નજીકના દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો હતો. જોકે ગળા ઉપર ચીરો લાંબો હોવાથી આજે સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો.
યુવકે કહ્યું હતું કે નવસારીથી નવાગામ જતી વખતે ઘટના બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું હતું કે 5 સે.મી. લાંબો ચીરો છે પરંતુ ઘા ઊંડો ઓછો હોવાથી યુવકનો જીવ બચી ગયો છે.
મોહન ભીમરાવ સાતપુતે (ઉં.વ. 20) એ જણાવ્યું હતું કે તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. ઘટના સચિન સાતવલ્લા બ્રિજ ઉપર રવિવારની મોડી સાંજે બની હતી. અચાનક આંખ સામે ચાલુ મોપેડે પંતગનો દોરો આવી જતા તાત્કાલિક બ્રેક મારી મોપેડ ધીમી કરી દીધી હતી છતાં ગળું ચીરાઈ ગયું હતું.
વધુમાં જણાવ્યું હતું કે ગણતરીની સેકન્ડમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાહદારીઓ તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા બાદ મારા ફેમિલી ડોક્ટર પાસે સારવાર લીધી હતી. જોકે ટાંકા લેવાની વાત આવતા ડર લાગતો હોવાથી ગળા પર ડ્રેસિંગ કરાવી ઘરે જતો રહ્યો હતો. આજે હિંમત આવતા સિવિલ આવ્યો હતો. જ્યાં ગળા પર ટાંકા લેવા પડશે એમ ડોક્ટરોએ જણાવ્યું હતું. પરિવારમાં મોટોભાઈ અને માતા-પિતા છે.
ડો. પ્રિંયંકા કંથારીયા (મેડિકલ ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના રવિવારના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યાના અરસા બની હતી. દર્દીને ગળા પર 5 સે.મી. લાંબો અને ઉંડાણમાં ઓછો ઘા છે. લગભગ ટાંકા લેવા પડશે. ENT વિભાગના ડોક્ટરોને બોલાવ્યા છે. હા ઘા નોર્મલ છે એટલે જીવને કોઈ જોખમ ન હોવાનું કહી શકાય છે.