વડોદરા: શહેરમાં મંગળવારની સવારે આગની બે ઘટનાઓ બનવા પામી હતી જેમાં ડભોઇ રોડ ઉપર આવેલ આનંદ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે કંપનીઓમાં આગ ફાટી નીકળી હતી જેના પગલે ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું.
શહેરના ડભોઇ રોડ ઉપર આવેલ આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની શેડ નંબર 5 કૃષ્ણ ગુડ ડેકોરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગે બાજુના સેડ બ્લ્યુ જેમ કંપનીને પણ ચપેટમાં લઇ લીધી હતી. જોત જોતામાં આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી અને ફર્નિચરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવ અંગે ગાજરાવાડી ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન, જી.આઈ.ડી.સી. ફાયર સ્ટેશન થી અગ્નિશમન દળની ગાડીઓ રવાના થઇ હતી.
8 વાહનોની મદદથી આ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો જેના પગલે આગ કાબુમાં આવી શકી હતી. જો કે આ આગમાં કંપની બાળીને ખાક થઇ ગઈ હતી. સદ્ નસીબે આ શેડ બંધ હાલતમાં હોઈ કોઈ જાનહાની નોંધાઈ નથી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ શોર્ટ કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તેની હાલ તાપસ ચાલી રહી છે. તો શહેરના અલકાપુરી વિસ્તારમાં સ્ટર્લિંગ સેન્ટર ના બીજા માલ ઉપર આવેલ ડીએક્ટિવ એન્ડ સિક્યુરિટી સર્વિસની ઓફિસમાં પણ અચાનક આગ લાગી હતી બનાવની જાણ થયા જ ફાયર વિભાગની ટિમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જહેમત બાદ આ આગ ઉપર પણ કાબુ મેળવી શકાયો હતો.