અમદાવાદ : અયોધ્યા (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) નવા નીમાયેલા મહારાજ મોહિત પાન્ડેની (Mohit Pandey) એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરતી નકલી તસવીરો વાયરલ કરવાના કેસમાં અમદાવાદ (Ahmedabad) સાયબર ક્રાઈમ બ્રાન્ચ (Cyber Crime Branch) દ્વારા અમદાવાદમાંથી કોંગ્રેસના (Congress) નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ કરી લીધી છે એટલું જ નહીં તેને રિમાન્ડ પર લેવાની તજવીજ ચાલી રહી છે.
ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસના આ નેતાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક પોસ્ટ અપલોડ કરી હતી. જે પોસ્ટમાં અલગ અલગ બે ફોટો હતા. જેમાં એક મહિલા બીભત્સ રીતે એક સંત સાથે જોવા મળે છે અને ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમને લખ્યું હતું કે શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહયા છે ? બસ આ લખાણ અને ફોટો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં આગ ભડકી હતી. આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ અમુક મિનિટોમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. જેને લઇને અમદાવાદના એક જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ તસવીરમાં જે સંત કે મહારાજ દેખાતા હતા તે બીજુ કોઈ નહીં પરંતુ અયોધ્યામાં કામ મંદિરના નવા નીમાયેલા મહારાજ મોહિત પાન્ડે હતા. તેમની સાથે એક યુવતીની મોર્ફ કરેલી એટલે કે નકલી તસવીર પોસ્ટ કરાઈ હતી. મોહિત પાન્ડેજી ગાઝીયાબાદના દુધેશ્વર વેદ વિદ્યાપીઠના વિદ્યાર્થી છે. એટલું જ નહીં તેમણે તિરૂપતિ મંદિરમાં તાલિમ લીધી છે. એટલું જ નહીં હજુયે તેમને વધુ છ માસની તાલીમ અપાશે. 3000 જેટલા વેદ વિદ્યાર્થીઓમાંથી તેમની પસંદગી કરાઈ છે.
સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફરિયાદના આધારે કોંગ્રેસ પક્ષના નેતા હિતેન્દ્ર પીઠડીયાને સાયબર ક્રાઇમ બ્રાંચ ખાતે નિવેદન માટે બોલાવ્યા હતા. હિતેન્દ્ર પીઠડીયા વિરુદ્ધ પુરાવા મળી આવતા સાયબર ક્રાઇમ બ્રાંચે મંગળવારે બપોર બાદ ધરપકડ કરી લીધી હતી અને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ફોટો તેમને અન્ય કોઈ વ્યક્તિએ મોકલ્યા હતા અને ખરાઈ કર્યા વગર જ પોતાના ફેસબુકમાં તેમને પોસ્ટ કરી નાખીને શું આમને અયોધ્યા રામ મંદિરમાં પૂજારી બનાવી રહ્યાં છે? નું લખાણ લખી નાખ્યું હતું. આરોપી હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ બાદ સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફોટો હિતેન્દ્ર પીઠડીયાને જેણે મોકલ્યા છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકતો મુજબ, આ બે તસવીરો કોઈ પોર્ન વેબસાઈટ પરથી લેવામાં આવ્યા હતા અને જેને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યા હતા, ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચે આ ફોટો બાબતે વધુ તપાસ શરૂ કરી છે કે આ ફોટો કોણે કોણે વાયરલ કર્યા છે અને અપીલ પણ કરી છે કે આ બે તસવીરો નકલી છે, જેથી કોઈ વાયરલ કે પોસ્ટ ના કરે અને જો કોઈ કરશે તો તેમના પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.