Columns

વસુંધરા રાજે સિંધિયાને મુખ્ય મંત્રીના હોદ્દાથી ઓછું કાંઈ મંજૂર નથી

રાજસ્થાનમાં ચૂંટણીનું પરિણામ આવ્યું તેના ૮ દિવસ પછી પણ મુખ્ય મંત્રીપદ માટે ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય ઉથલપાથલ ચાલુ છે. ભાજપની મુશ્કેલીઓ અહીં ઓછી થતી જણાતી નથી. ત્રણ દિવસ સુધી દિલ્હીમાં પાર્ટીના ટોચના અધિકારીઓને મળ્યા પછી પણ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેનું બળવાખોર વલણ ઓછું થતું જણાતું નથી. આ વલણથી પાર્ટી હાઈકમાન્ડની ચિંતા પણ વધી ગઈ છે. હવે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રવિવારે રાત્રે વસુંધરા રાજેને ફોન કર્યો હતો અને સલાહ આપી કે તેઓ ધારાસભ્યો સાથે અલગ અલગ બેઠકો ન કરે અને મુખ્ય મંત્રી માટે નામ નક્કી કરવાનો નિર્ણય ભાજપના ટોચના નેતૃત્વ પર છોડી દે. વાતચીત દરમિયાન વસુંધરા રાજેએ જે.પી. નડ્ડાને એક વર્ષ માટે મુખ્ય મંત્રી બનાવવાની વિનંતી કરી હતી. આ પછી નેતૃત્વે તેમને વિધાનસભા સ્પીકર બનવા માટે કહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે વસુંધરા રાજેએ આનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ સ્પીકર બનવા માંગતા નથી.

જ્યારથી પરિણામ આવ્યાં છે ત્યારથી ધારાસભ્યો વસુંધરા રાજેને મળવા આવી રહ્યા છે, જેનાથી પાર્ટી હાઈકમાન્ડ નારાજ છે. થોડા દિવસો પહેલાં જ્યારે વસુંધરા તેમના પુત્ર દુષ્યંત સાથે દિલ્હીમાં જે.પી. નડ્ડાને મળ્યા હતા, તે દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષે પણ આવી બેઠકો અંગે વાંધો ઉઠાવ્યો હતો. જે ધારાસભ્યો વસુંધરાને મળી રહ્યા છે તેમને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે નિરીક્ષકો હાજર હોય ત્યારે મુખ્યમંત્રી તરીકે વસુંધરાનું નામ તેમની સામે લેવામાં આવે. રવિવારે વસુંધરા રાજેને મળનારાઓમાં કોલાયતના ધારાસભ્ય અંશુમન ભાટી, દેગાનાના ધારાસભ્ય અજયસિંહ કિલક, શેરગઢના ધારાસભ્ય બાબુસિંહ રાઠોડ, બિલાડાના ધારાસભ્ય અર્જુનલાલ ગર્ગ, પૂર્વ કેબિનેટ મંત્રી અને દિગ વિધાનસભાના ધારાસભ્ય નટવરસિંહ, કંવરલાલ મીણા, કાલીચરણ સરાફ, જસવંતનાં નામો સામેલ હતાં.

ભાજપે છેલ્લાં બે વર્ષથી વસુંધરા રાજેને સાઇડલાઇન કર્યા છે. વિધાનસભા ચૂંટણી વખતે પણ પાર્ટીએ વસુંધરાને દૂર રાખ્યાં હતાં. આ વખતે પાર્ટીએ અહીં મુખ્ય મંત્રીના ચહેરાની જાહેરાત પણ નથી કરી. રાજ્યમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ મુખ્ય મંત્રી બનવાની રેસ શરૂ થઈ ગઈ છે. વસુંધરા રાજે પણ તેમાં જોડાઈ ગયા છે. એવું કહેવાય છે કે તેમણે ધારાસભ્યોને પોતાના ઘરે બોલાવીને પાર્ટી પર દબાણ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

એક રીતે તેને શક્તિપ્રદર્શન કહેવામાં આવતું હતું. આ પછી વસુંધરાએ કહ્યું કે તેઓ પાર્ટીની વિરુદ્ધ નહીં જાય અને દિલ્હી જઈને પાર્ટી હાઈકમાન્ડને મળ્યાં હતાં. જ્યારે તેઓ ત્રણ દિવસ પછી જયપુર પરત ફર્યા ત્યારે ધારાસભ્યો ફરી એક વાર તેમના ઘરે આવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસુંધરા રાજે પાછળ હટવા તૈયાર નથી. સોમવારે જ્યારે જે.પી. નડ્ડાએ તેમને ફોન કરીને ધારાસભ્યોને ન મળવાની સલાહ આપી હતી, ત્યારે પણ તેમણે એક વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગણી કરી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે વસુંધરા એક વર્ષ માટે મુખ્ય મંત્રી પદ કેમ માંગી રહ્યાં છે? વાસ્તવમાં, વસુંધરા રાજે કરતાં દિયા કુમારી અને બાબા બાલકનાથ મુખ્ય મંત્રી પદ માટે વધુ મજબૂત દાવેદારી ધરાવે છે.

જાણકારોનું માનવું છે કે જો દિયા કુમારી મુખ્ય મંત્રી બનશે તો રાજ્યમાં વસુંધરા રાજેની રાજનીતિ લગભગ ખતમ થઈ જશે, કારણ કે દિયા કુમારી પણ રાજવી પરિવારમાંથી આવે છે અને તે પણ રાજપૂત છે. પાર્ટી હાઈકમાન્ડ સાથે તેમના સારા સંબંધો છે. આ જ કારણ છે કે હાલમાં તે એક વર્ષનો સમય માંગીને વસુંધરા રાજે દિયા કુમારી અને અન્ય દાવેદારોને રેસમાંથી બહાર કરવા માંગે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણેય રાજ્યોમાં શુક્રવારે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. રાજસ્થાનની જવાબદારી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યસભા સાંસદ સરોજ પાંડે અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રવિવારે ધારાસભ્યો સાથે નિરીક્ષકોની બેઠક થશે, પરંતુ તેમ થયું નહીં. નિરીક્ષકો હજુ રાજસ્થાન આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર લખનૌમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ હાજર છે. આ કાર્યક્રમ સોમવાર અને મંગળવારે પણ ચાલુ રહેશે.

આ સ્થિતિમાં રાજનાથસિંહ માટે જયપુરની મુલાકાત શક્ય જણાતી નથી. આ સ્થિતિમાં મંગળવારે પણ ધારાસભ્ય દળની બેઠક શક્ય બને તેવું લાગતું નથી. ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બોલાવતાં ગભરાય છે, કારણ કે તેમાં વસુંધરા રાજેના સમર્થકો ધાંધલ મચાવશે તેવો ભાજપના હાઈકમાન્ડને ડર છે. વસુંધરા રાજેના ઘરે ધારાસભ્યોના એકઠા થવાના પ્રશ્ન પર ભાજપના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું હતું  કે ‘‘ભારતીય જનતા પાર્ટીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર વોટ મળ્યા છે. તેમનો ચહેરો અમારી પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. તે પછી પણ જો કોઈ એવું વિચારે છે કે મારા ચહેરાથી પાર્ટીને વોટ મળ્યા છે તો તે ચોક્કસપણે ભ્રમમાં રહી શકે છે, પરંતુ આ સત્ય નથી. ’’

રાજસ્થાનમાં ભાજપ હજુ સુધી મુખ્ય મંત્રીનું નામ નક્કી નથી કરી શક્યો તેનું મુખ્ય કારણ એ છે કે રાજસ્થાનમાં ભાજપના સર્વાધિક લોકપ્રિય નેતા વસુંધરા રાજે છે, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને કોઈ સંયોગોમાં મુખ્ય મંત્રી બનાવવા માંગતા નથી. તેનું કારણ એ છે કે વસુંધરા રાજે ભાજપમાં નરેન્દ્ર મોદી કરતાં પણ સિનિયર છે અને નરેન્દ્ર મોદી તેમને પોતાના રાજકીય હરીફ માને છે. જો કે તકલીફ ત્યાં છે કે વસુંધરા રાજેને ભાજપના ચૂંટાયેલા સર્વાધિક ધારાસભ્યોનું સમર્થન મળેલું છે, માટે વડા પ્રધાન ચાહે તો પણ તેમની ઉપેક્ષા કરી શકે તેમ નથી.

મુખ્ય મંત્રી તરીકે વસુંધરા રાજેને સાઇડલાઇન કરવા માટે ભાજપના નેતાઓ દ્વારા જ બાલક નાથ યોગી અને દિયા કુમારી જેવાં નામો ઉછાળવામાં આવ્યાં હતાં; પણ તેઓ એકાદ ડઝન જેટલા ધારાસભ્યોનો ટેકો પણ ધરાવતા નથી. તેથી વિરુદ્ધ વસુંધરા રાજેના સમર્થકો દ્વારા ભાજપના ચૂંટાયેલા ૧૧૫ પૈકી ૭૦ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો વસુંધરાને મુખ્ય મંત્રી ન બનાવવામાં આવે તો તેઓ ૭૦ ધારાસભ્યો સાથે ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી શકે તેમ છે. વસુંધરા રાજેને કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સાથે પણ નિકટના સંબંધો છે. આ સંબંધોનો ઉપયોગ કરીને તેઓ કોંગ્રેસના સાથથી સરકાર બનાવી ભાજપને ભારે પડી શકે છે.

ફલોદીના સટ્ટાબજારમાં વસુંધરા રાજેને રાજસ્થાનના મુખ્ય મંત્રીપદના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યાં છે. ગઈ કાલ સુધી વસુંધરા રાજે નંબર-૧ પર રહ્યાં હતાં. તેમની કિંમત ૦.૯૦ પૈસા બોલાતી હતી. બીજા સ્થાને અશ્વિની વૈષ્ણવ રહ્યાં હતાં, જેમની કિંમત ૧.૨૦ રૂપિયા હતી. આ પછી ઓમ મોથુર ૧.૫૦ રૂપિયા સાથે ત્રીજા સ્થાને, ગજેન્દ્ર સિંહ શેખાવત ૧.૪૦ રૂપિયા સાથે ચોથા સ્થાને અને ઓમ બિરલા ૧.૭૫ રૂપિયા સાથે પાંચમા સ્થાને હતા; પરંતુ આજે અશ્વિની વૈષ્ણવ નંબર-૧ પર અને વસુંધરા રાજે નંબર બે પર આવી ગયાં છે. ફલોદીના સટ્ટાબજારમાં જે ઉમેદવારનો ભાવ ઓછો બોલાતો હોય તેના જીતવાની સંભાવના વધુ ગણાય છે. જો વસુંધરા રાજે સિંધિયાને મુખ્ય મંત્રી નહીં બનાવાય તો રાજસ્થાનમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top