આપણી સામાન્ય રીતે શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુઓ છે.પણ એ બધી મોસમને મોજ અને મસ્તીના રંગે રંગીને અનોખી, પોતાની રીતે માણનારૂં એક માત્ર ભારતમા શહેર હોય તો તે સુરત છે. વડોદરા, અમદાવાદ,ભાવનગર, રાજકોટઅને જૂનાગઢ જેવા શહેરો સુરતના મુકાબલે ઠંડીમા ઠુંઠવાતા નગરો છે પણ સુરતનો શિયાળો હમસફર જેવો હૂંફાળો છે.સવારે ગળે વીંટાળેલ મફલર અને છાતીએ સ્વેટર હોય તો બપોરના બાર સુધીમા મફલર ખભાપર અને સ્વેટર કાઢીને કમર પર બાંધવાની ફરજ પાડે એવો તડકો પણ તમને સુરતમા જ જોવા મળે.સુરતની તસવીર અને તાસીર ધરમૂળથી બદલાઈ ગયા છે.પણ સુરતી લાલાઓનો મિજાજ એવો જ બરકરાર છે.
સુરતના જમણમા , જમણ,ખમણ અને દમણ પણ એમાં ઉમેરાયાં છે પરિણામે રવિવારે પીવા માટે દમણની દિશા તરફ કારનો કાફલો પણ એમાં ઉમેરાયો છે.તો સુરતની આંધળી વાનીનો પોંક પણ સુરતનું સંતાન છે એને કેમ ભૂલાય ? પોંક બોલીને અટકી જાવ, એમાં પોંકનું અપમાન છે.પોંકના અંતરંગ મિત્ર જેવા પોંકવડાં, પોંકની પેટીસ, પોંકની કચોરી, લીલા લસણ કોથમીરની ચટણી અને મજેદાર મઠાને યાદ ન કરીએ એ કેમ ચાલે ? અને હા, સુરતના શિયાળાના ખરા ત્રિવેણી સંગમ જેવા મલાઈ, પુરી અને ઊંધિયાના સ્વાદ વગર ,સુરતની મુલાકાતે આવનાર અતિથિ ,સાચા અર્થમાં સુરતી શિયાળાનો વૈભવ ગુમાવીને જાય છે એમ કહેવાની જરૂર ખરી ?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.