નડિયાદ: ગુજરાતભરમાં ચકચાર જગાવનારા સિરપકાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે, જેઓ આ ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે, પોલીસ તે દિશામાં હાલ તપાસ કરી રહી છે. જેમાં હવે સૌથી મોટો ખુલાસો થયો છે. મુંબઈનો તોફીક ગોવાથી જે કેમિકલ લાવતો હતો તેનું નામ એપ્સોલ છે. જે સિરપમાં ભેળવવામાં આવતુ હતુ. તેમજ આ એપ્સોલ કેમિકલ તોફીક ગોવાથી લાવતો હોવાનું કબુલ્યુ છે. એટલે પોલીસે ગોવા તરફ પોતાની ટીમને દોડાવી છે. તો આરોપી તોફીક યોગેશ સિંધિ સિવાય અનેક વેપારીઓના સંપર્કમાં હોવાનું પણ ખુલ્યુ છે.
નડિયાદમાંથી ઉજાગર થયેલા સિરપ કાંડમાં આરોપીઓ રિમાન્ડ પર હોવાને પગલે અવનવા ખુલાસાઓ દિવસને દિવસે થઈ રહ્યા છે. આ ઝેરી સિરપ પીવાથી હાલ સુધી 7 વ્યક્તિઓના જીવ ગયા છે. ત્યારે આ મોતનો કાળો કારોબારનો વેપલો છેલ્લા વર્ષથી ચાલી રહ્યો હોવાનુ પોલીસને રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું છે. આ હકિકત સામે આવતા ભૂતકાળમાં પણ અનેકોએ જીવ ગયા હોવાની શક્યતા નકારી શકાય નહીં.
પોલીસે અત્યાર સુધી આ કાંડમાં 6 આરોપીને પકડ્યા છે જેમાં નડિયાદનો યોગેશ ઉર્ફે યોગી પારૂમલ સિંધી, બીલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સાકળભાઈ સોઢા, ઈશ્વરભાઈ સાકળભાઈ સોઢા, વડોદરાના નીતીન કોટવાણી, ભાવેશ સેવકાણી અને તપાસમાં મુંબઈના તોફીક હાસીમભાઈ મુકાદમ મળી 6 આરોપીઓ પોલીસ રીમાન્ડમાં છે. આ રીમાન્ડ દરમિયાન આરોપીઓની એકબીજા સાથે જોડાયેલી તમામ લિંક ખુલી રહી છે. મુંબઈનો તોફીક ગોવાથી જે કેમિકલ લાવતો હતો તેનું નામ એપ્સોલ છે.
જે સિરપમાં ભેળવવામાં આવતુ હતુ. તોફીકે 13 વખત આ કેમિકલ આરોપી યોગેશ સિંધિને વેચ્યુ છે. જ્યારે ખેડા જિલ્લામાં અત્યાર સુધી મેઘાસવ લેબલવાળી સિરપ વેચાઈ હોવાની શક્યતાઓ છે. ઉપરોક્ત એપ્સોલ કેમિકલ મોટાભાગે કાપડ અને કલર જેવી વસ્તુમાં ભેળવવામાં આવતી હોય છે. એટલે કે બિનખાદ્ય વસ્તુમાં ભેળવાય છે. જેથી તેની સિરપ બનાવી વેચતા તેનાથી આ કાંડ થયો છે. આ ઉપરાંત આરોપી તોફીકના સંપર્કમાં માત્ર યોગેશ સિંધિ નહીં, પરંતુ ગુજરાતના અનેક વેપારીઓ હતા, જે તેની પાસેથી એપ્સોલ કેમિકલ લેતા હતા. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ આદરી છે.
15000 લિટર કેમિકલ નડિયાદ લવાયુ
પોલીસની તપાસમાં આરોપી યોગેશ સિંધીનુ ડભાણ સ્થિત આવેલ ગોડાઉનમાંથી નશીલી સિરપનો જથ્થો કબ્જે કર્યો છે અને તેની સિલોડ ખાતેથી પણ ફેક્ટરી પકડી તપાસ કરતા અહીયાથીજ આ નશીલા સિરપ બનાવવામાં આવતી હોવાનું ચોકાવનારો ખુલાસો થયો હતો. તો બીજી બાજુ પોલીસની તપાસમાં યોગેશ સિંધીએ સિરપ માટે 15 હજાર લીટર કેમીકલ મુંબઈથી મંગાવ્યું હોવાનો કબુલાત કરી છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષથી આ મોતનો કાળો કારોબાર ચલાવતો હોવાનું પર્દાફાશ થયું છે.