Charchapatra

વિશ્વનો વારસો

 ‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો’ એ ગુજરાતનો અતિ પ્રાચીન ગરબો  છે. એમ માળવામાં વાવેલી મેંદીનો રંગ ગુજરાતમાંથી  હવે વિશ્વના નકશા પર મુકાયો છે. નાચવા-કૂદવા અને થનગનાટ સાથે હૈયું હિલોળે ચઢે તેવો ગરબો, વિશ્વનો વારસો વર્લ્ડ હેરિટેજ બન્યો છે. યુનેસ્કો  દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે 6 ડિસેમ્બરના રોજ 3 કલાકે બોત્સાવ નામાં યોજાયેલા 18મા સત્રની મિટિંગમાં સ્વીકૃતિ, અનોખી ઓળખ મળી છે. અલબત, વિશ્વનો સૌથી લાંબો ચાલનારો નૃત્ય ઉત્સવ એટલે ગુજરાતનો નોરતા-ગરબા ઉત્સવ છે.

ગુજરાતનો ગરબો એ ભારતની અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે નામના મેળવેલ 15મી વિશેષતા છે. ગરબો સામાજિક અને સાંસ્કૃતિક વિશેષતા ધરાવતો હોઈ આગવું સ્થાન મળ્યું છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાઓ દ્વારા જોખમમાં મુકાયેલા અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું રક્ષણ, સમુદાયો, જૂથો અને વ્યક્તિઓમાં સન્માનની ખાતરી અને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાગૃતિ વધારી શકાય તે માટે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ-આઈસીએચ ગરબા-સાંસ્કૃતિક વિશેષતાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન આપ્યું છે.પ્રાચીન ગરબા, શેરી ગરબાના મૂળ સ્વરૂપને સાચવીએ. ગરબાને દૂષણોથી સુરક્ષિત રાખીએ.
 નવસારી    – કિશોર આર. ટંડેલ.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Ph.d. પદવીધારકો : ઉપયોગિતા: ફલશ્રુતિ
તા.૭/૧૨ ના  મિત્રમાં ડૉ.વિનોદભાઈ પટેલનો ph.d. ડિગ્રી અંગેનો લેખ  અસરકારક  રહ્યો. લેખના સારાંશ મુજબ  પદવીધારકોની સંખ્યા વધતી જાય છે, પણ ઉપયોગિતા ઘટતી જાય છે.જે વિષયનાં સંશોધનો થાય.  વળી તેનાં તારણો, પરિણામો – સમાજને, રાષ્ટ્રને , સરકારને કેટલી માત્રામાં ઉપયોગી  સાબિત થયાં  છે તે પણ જોવાતું નથી.આ ડિગ્રી લેવા પાછળ સંશોધક સમય અને સંપત્તિ ખર્ચે છે, સરકાર પણ રૂપિયા ખર્ચે છે.પણ આ સંશોધનો  સમાજને કે સરકારને બહુધા  દિશાસૂચક નીવડતાં નથી.એક વર્ગ એવું માને છે કે આ  સંશોધનો પદવીના ભાગ રૂપે અને સંશોધકને લાભાર્થે છે. હા, રિસર્ચ પ્રકારનાં કાર્યો થાય તો તે ઉપયોગી નીવડે.  તો આ ડિગ્રીની સાર્થકતાની દિશામાં  સંશોધક અને સરકારની શું ભૂમિકા હોઈ શકે  તેનો અંગુલિનિર્દેશ કર્યો છે.
સુરત                વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top