સુરત: (Surat) સુરત ઉધના રેલવે સ્ટેશન (Railway Station) ગરનાળા નજીક હાઈ ટેન્શન લાઈનના (High Tension Line) વીજ પોલ પર એક યુવક મંગળવારે મધરાત્રે ચડી જતા દોડધામ મચી ગઈ હતી. રેલવે વિભાગે પાવર (Power) બંધ કરવાની અને ટ્રેન થોભાવવાની ફરજ પડી હતી. ઉપરાંત ઘટનાની જાણ ફાયર કંટ્રોલને કરાતા માનદરવાજા ફાયર સ્ટેશનની ટીમ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે બે કલાકની ભારે જહેમતે ઉઠાવ્યા બાદ આ યુવકને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બિમાર હોવાનું જાણવા મળ્યું હતું.
- ઉધના રેલવે ગરનાળા નજીક હાઈટેન્શનના વીજપોલ ઉપર યુવક ચડી જતા ભારે ડ્રામા સર્જાયો, રેલવેએ પાવર બંધ કરવો પડ્યો
- રેલવે વિભાગે પાવર બંધ કર્યા બાદ ટ્રેનને ઉભી રાખી
- માનદરવાજા ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત ઉઠાવ્યા બાદ માનસિક રીતે અસ્થિર યુવકને નીચે ઉતારી લીધો હતો
- બાદમાં યુવકને આરપીએફ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો
પ્રાપ્ત જાણકારી મુજબ, ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળા પાસે રાત્રે 3:30 વાગ્યે આસપાસ એક યુવક રેલવેની હાઈટેન્શન લાઈન પર ચડી ગયો હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. માન દરવાજા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની જાણ થતા રેલવે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સૌપ્રથમ તો હાઈ ટેન્શન લાઈનનો વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવકને નીચે ઉતારવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
બે કલાક વીજ વ્યવહાર બંધ રખાયો, નીચે ઉતર્યા બાદ પણ યુવાને ભારે ઉત્પાત મચાવ્યો
ફાયર ઓફિસર જયદીપ ઈસરાની એ જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી ગયા હતા. મેઈન લાઈનની બાજુમાં આવેલા રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના પોલ પર યુવક ચડી ગયો હોવાના કારણે બે કલાક સુધી ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. ફાયરની ટીમે નિસરણીની મદદ વડે તેને નીચે ઉતારી લીધો હતો. યુવકે નીચે ઉતર્યા બાદ પણ ભારે ઉત્પાત મચાવ્યો હતો અને આમ તેમ ભાગાવા લાગ્યો હતો. તેને પકડી લીધા બાદ તેને આરપીએફ પોલીસને સોંપી દેવાયો હતો.