હથોડા: (Hathoda) પીપોદરા જીઆઇડીસીમાં શ્રમજીવી મહિલા કંપનીના (Company) રૂમમાં કામ કરી રહી હતી, ત્યારે નજીકમાં તેનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા રૂ અને કપડાના તાકાના પોટલામાં (Garment Bags) દબાઈ જતાં તેનું મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
- પીપોદરા GIDCમાં મા નજીક રમી રહેલા 3 વર્ષીય પુત્રનું પોટલામાં દબાઈ જતાં મોત
- મા કામ કરી રહી હતી અને પુત્ર રમતો રમતો કાપડના તાકામાં પહોંચી ગુંગળાઈ જતાં પ્રાણપંખેરૂં ઉડી ગયું
- માએ શોધખોળ કરી તો પુત્રનું ખોળિયું જ હાથ લાગ્યું, ભારે આક્રંદથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી
ઘટનાની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની શ્રમજીવી તીરથસિંઘ દેવીસિંહ રાજપુત, કેટલાક સમયથી પીપોદરા જીઆઇડીસી ખાતે કંપનીમાં મજૂરીકામ કરે છે. આજે મોડી સાંજે તીર્થસિંઘની પત્ની દેવીદીન સિંઘ પીપોદરા જીઆઇડીસીમાં સ્થિત અમિતાભ બચ્ચનની બિલ્ડીંગમાં રૂમ નંબર 26માં કામ કરી રહી હતી. ત્યારે તેની નજીક તેનો ત્રણ વર્ષનો માસુમ બાળક સંસ્કાર તીર્થ સિંઘ રમતા રમતા નજીકમાં રૂ અને કપડાના તાકાના પોટલા પાસે પહોંચી ગયો હતો.
કામમાં પરોવાયેલી માતાનું ધ્યાન ગયું ન હતું અને માસુમ બાળક રૂ અને કપડાના તાકાના પોટલામાં દબાઈ જતા ગુંગળાઈ જવાથી તેનું મોત થયું હતું. થોડીવાર બાદ માતાનું ધ્યાન બાળક તરફ જતા અને બાળક નહીં દેખાતા તેણે વ્યાકુળ બનીને શોધખોળ કરતા બાળક મૃત હાલતમાં મળી આવતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માસુમ બાળકના મોતને પગલે માતાએ ભારે આક્રંદ મચાવ્યું હતું. ઘટનાની જાણ નજીકના પાલોદ પોલીસને કરવામાં આવતા પોલીસ ચોકીના પીપોદરા બીટના જમાદાર રાહુલભાઈએ લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.