નવી દિલ્હી (NewDelhi): મિચૌંગ વાવાઝોડાએ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું આજે સોમવારે સવારે તામિલનાડુના દરિયા કિનારે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી વધારે ભોગ બની છે. ચેન્નઈના એરપોર્ટના રનવે, સબ વે સહિત આખાય શહેરમાં પાણી બરાઈ ગયું છે. ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે.
તમિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદ વાહનો પાણીમાં ડુબી ગયા છે. કેટલાંક વિસ્તારોમાં ગાડીઓ રમકડાંની જેમ પાણીમાં તરવા લાગી છે. તમિલનાડુના ચેન્નાઈમાં તબાહી મચાવ્યા બાદ મિચૌંગ આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી આપી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સૂચના આપી છે.
આ વિસ્તારોમાં વાવાઝોડાની અસર વર્તાઈ
વાવાઝોડાની અસરને કારણે આજે અને આવતીકાલે પણ ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. રાયલસીમામાં ઘણી જગ્યાએ મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. ઇલુંડી અને ઉત્તરાંધ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
દરિયાકાંઠે 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સાંજે તેની ઝડપ વધીને 90-110 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ માછીમારોને દરિયામાં શિકાર ન કરવાની સલાહ આપી છે. વાવાઝોડાને કારણે બહારથી આવતા લોકોને હાલમાં ચેન્નાઈમાં જ રહેવું પડે છે કારણ કે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ફ્લાઈટ્સ મળવી મુશ્કેલ છે.
ચક્રવાતને પગલે 144 ટ્રેનો રદ
મિચૌંગ સાયકલોનના લીધે પબ્લીક ટ્રાન્સપોર્ટેશન પર ભારે અસર પડી છે. ચેન્નાઈના એરપોર્ટના રનવે પર પાણી ભરાઈ જતા હવાઈ સેવા ખોરવાઈ છે, તો બીજી તરફ ચક્રવાતને પગલે દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેનો રદ કરી છે. હજારો મુસાફરો તેના લીધે અટવાઈ ગયા છે.
પીએમ મોદીએ બચાવ કાર્યમાં જોડાવા ભાજપના કાર્યકરોને અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચક્રવાત મિચૌંગને લઈ દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોને સતત સંપર્કમાં છે. પીએમ મોદીએ તમિલનાડુ, પુડ્ડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને વહીવટી તંત્રને મદદ કરવા અપીલ કરી છે. પીએમએ કહ્યું, ચક્રવાત મિચૌંગ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે.