Charchapatra

શિક્ષણ – પરીક્ષાલક્ષી કે જીવનલક્ષી?

 ‘વર્ગખંડની દીવાલો ઓળંગી જગતના વર્ગખંડમાં લઈ જાય તે જ સાચું શિક્ષણ.’- દર્શક.શિક્ષણનો અર્થ આપણે શીખવું કે શીખવવું એવો મર્યાદિત કરીએ છીએ.સાચું શિક્ષણ કેવું? માનવીને કેળવે, માનવીય ગુણો વિકસાવે સાચો,ચારિત્ર્યવાન માનવ બનાવે એવું જીવનલક્ષી શિક્ષણ તે સાચું શિક્ષણ.પણ પરીક્ષાલક્ષી,ટકાવારીની હોડમાં આવું શિક્ષણ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.શાળા-મહાશાળાઓ પણ બાળકોને પાઠ્યપુસ્તકનું જ્ઞાન(માહિતી) પીરસી ઊંચી ટકાવારી પ્રાપ્ત કરવાની હરીફાઈમાં જોતરાઈ જાય છે.’વર મરો કે કન્યા,ગોરનું તરભાણું ભરો.’

સમાજની,વાલીઓની અપેક્ષાઓ સંતોષવા શાળા કે શિક્ષકો પણ હાયસો હાયસો કરતાં હાંકીએ જ જાય છે. શિક્ષકોનો શું વાંક કાઢવો? પરિણામ ઓછું આવે તો સંચાલક, સમાજ અને શિક્ષણ વિભાગ શિક્ષકો પર તૂટી પડે. સૌ શિક્ષણજનોની મૂલ્યાંકન પદ્ધતિ જ પરિણામ આધારિત થઈ ગઈ છે.સીધી કે આડકતરી રીતે સૌ કોઈ પરિણામને જ મહત્ત્વ આપતા હોય ત્યારે જીવનલક્ષી,ચારિત્ર્યલક્ષી, મૌલિક,માનવીય ગુણો વિકસાવતી કેળવણીના ગળે ટૂંપો દેવાઈ જ જાય ને!

બોર્ડમાં ઊંચી ટકાવારી મેળવતી શાળાઓ જ શ્રેષ્ઠ શાળાની માનસિકતામાં ખદબદતા શિક્ષણસમાજમાં ભોગ લેવાય છે બાળ દેવોનો,નૈતિક ગુણો વિકસાવતા શિક્ષણનો! બાળકોના જીવનનું ઘડતર અને ચણતર કરવાને બદલે બધાં સામુહિક રીતે તેને વેઠિયો,મજૂર કે ગભરુ બનાવવા મંડી પડ્યા છે.વાલી પણ પોતાના બાળકની ક્ષમતા,રસ, સમજ્યા વિના અપેક્ષા વધારતાં રહે છે.બાળક પડકારોનો સામનો કરવાનું,શ્રમ કરવાનું સામર્થ્ય જ કેળવી શકતો નથી.હ્રદયનો શ્રેષ્ઠ સર્જન લાગણી,કરુણા,પ્રેમ,દયા ચૂકી જાય તો વાંક કોનો કાઢવો? બાળકને એ શિક્ષણ જ શું કામનું જે એને ચારિત્ર્યવાન ન બનાવી શકે? પુસ્તકિયું,કેવળ પરીક્ષાલક્ષી શિક્ષણથી રાષ્ટ્ર કે સમાજ અધોગતિ તરફ જાય તો નવાઈ ન પામશો.
સુરત     – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top