Editorial

સોશ્યલ મીડિયાનો દુરુપયોગ આજે વિશ્વભરની સમસ્યા છે

સોશ્યલ મીડિયા એ આજે વિશ્વભરમાં સમાજ જીવનમાં અને રોજબરોજની માનવ જિંદગીમાં એક અગત્યનું અંગ બની ગયું છે. ઇન્ટરનેટનો વપરાશ વધ્યો, અને તેમાં પણ ખાસ કરીને મોબાઇલ ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો ત્યારપછી તો સોશ્યલ મીડિયાનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે.  વૉટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર(હવે એક્સ) વગેરે ખૂબ વપરાતા સોશ્યલ મીડિયા મંચો છે. આમાં વૉટ્સએપનો વ્યાપ કદાચ દુનિયાભરમાં સૌથી વધારે છે. તે સંદેશાઓ, તસવીરો, વીડિયોઝ વગેરેની આપ-લે કરવાનું એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે, અને હવે તો તેમાં બીજા પણ અનેક ફીચર્સ ઉમેરાયા છે. ફેસબુક કદાચ બીજા ક્રમે સૌથી વધુ વપરાતું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે. તેના તો  ઉપયોગ બહુવિધ છે. આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ અનેક રીતે ઉપયોગી છે પરંતુ તેમના અનેક જોખમો અને નુકસાન પણ છે. અફવાઓ ફેલાવવામાં, લોકોમાં ગેરમાન્યતાઓ ઉભી કરવામાં, લોકોની માનસિકતા બગાડવામાં સોશ્યલ મીડિયાનો ખૂબ દુરૂપયોગ થાય છે.

સોશ્યલ મીડિયાથી લોકો સહેલાઇથી દોરવાઇ જાય છે અને અનેક ગેરસમજો તેમના કારણે ફેલાય છે એ હવે જાણીતી હકીકત છે. સોશ્યલ મીડિયા લોકો પર કઇ રીતે અસર કરે છે તેનો હાલમાં એક અભ્યાસ થયો છે જેના તારણો રસપ્રદ છે. આ તારણો મુજબ લોકો જ્યારે કોઇ એવી વ્યક્તિની સોશ્યલ મીડિયા પોસ્ટ જુએ કે જે પોતાના કરતા જુદી સંસ્કૃતિની હોય ત્યારે તે પોસ્ટની સત્યતાને વધુ કાળજીપૂર્વક ચકાસે છે અને તેને આધારે પોતાની અગાઉની માન્યતાઓ સુધારવા પણ વધુ તત્પર હોય છે એમ ફ્રન્ટિયર્સ ઓફ સાયકોલોજી જર્નલમાં તાજેતરમાં પ્રગટ થયેલ એક અભ્યાસ જણાવે છે.

વળી લોકો પોતાને સાનુકૂળ હોય તેવી સોશ્યલ મીડિયા પોસ્ટની વાત ઝડપથી માની લેતા હોય છે. જો તમે ફ્રેન્ચ હોવ તો તમે એવી પોસ્ટ માનવા જલદી તૈયાર નહીં થાવ કે જેમાં જણાવાયું હોય કે ફ્રાન્સ કરતા બ્રિટન વધુ પ્રકારની ચીઝનું ઉત્પાદન કરે છે, જ્યારે બ્રિટિશ વ્યક્તિ આ પોસ્ટમાંની વાત ઝડપથી માની લેશે. અને જો તમે અંગ્રેજ હોવ તો એ વાત ઝડપથી માની લેશો કે ફક્ત ૪૩ ટકા ફ્રેન્ચ લોકો જ દરરોજ સ્નાન કરે છે, પરંતુ ફ્રેન્ચ વ્યક્તિ આ વાત ઝડપથી માની લેશે નહીં.

વળી એક ફ્રેન્ચ વ્યક્તિ બીજી ફ્રેન્ચ વ્યક્તિની સોશ્યલ મીડિયા પોસ્ટ પર ઝડપથી વિશ્વાસ કરી લેશે અને તેમાં પુરાવાઓ શોધવાની બહુ તસ્દી લેશે નહીં પરંતુ જો કોઇ બ્રિટિશ વ્યક્તિએ પોસ્ટ મૂકી હોય તો તે અંગે પુરાવાઓ શોધશે. પરંતુ સાથે જ તેને જો આ પોસ્ટના ટેકામાં પુરાવાઓ મળી જાય તો પોતાની માન્યતા બદલવા પણ તૈયાર થશે. લોકોની આ માનસિકતાનો જ ગેરલાભ રાજકારણીઓ કે પછી અન્ય સ્થાપિત હિતો ઉઠાવે છે અને ગેરસમજો ફેલાવીને પોતાનો સ્વાર્થ સાધી લે છે. વૉટ્સએપ જેવા માધ્યમો વડે અફવાઓ ફેલાવવામાં આવે અને  તેનાથી રમખાણો ભડક્યા હોય  તેવી અનેક ઘટનાઓ નોંધાઇ છે.

સોશ્યલ મીડિયા પર ફેલાવવામાં આવતી ગેરમાહિતી એ આજના સમયનો એક મોટો પડકાર બની ગયો છે અને તેને કારણે સામાજીક તનાવ, રાજકીય ધ્રુવીકરણ જેવી બાબતો પણ સર્જાય છે. સોશ્યલ મીડિયા પરની ખોટી માહિતીઓની અસર લોકોના મતદાન કરવા પર, રસી મૂકાવવા પર વગેરે બાબતો પર પણ પડે છે અને ઘણી વાર લોકો ગેરમાહિતી સુધારવામાં આવે તેમ છતાં જૂની, ખોટી માહિતીને જ વળગી રહેતા હોય છે.

તાજેતરના સમયમાં ઇઝરાયેલ-હમાસ લડાઇમાં ગેરમાહિતી અભૂતપૂર્વ સ્તરે પહોંચી છે અને વિશ્વભરમાં વંશીય, ધાર્મિક અને રાજકીય તનાવ વધારી રહી છે તેવા સમયે આ અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. સંશોધકોએ લોકો સોશ્યલ મીડિયા પોસ્ટને કેવી રીતે મૂલવે છે તેનો અભ્યાસ કરીને તેને આધારે લોકો સોશ્યલ મીડિયા અ઼ંગે તેમની વર્તણૂક સુધારે તે માટેના માર્ગો શોધવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસોની તો જરૂર છે જ, પરંતુ સરકાર દ્વારા વાજબી અને પ્રમાણિક નિયંત્રક પગલાઓની પણ જરૂર છે. વધુ પડતા નિયંત્રણો પણ ખોટા છે તો નિરંકુશતા પણ ખોટી બાબત છે. સોશ્યલ મીડિયા માટે યોગ્ય અને વાજબી નિયમનો આજે તાકીદની જરૂરિયાત છે.

Most Popular

To Top