નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે (Israel-Hams war) છ દિવસીય યુદ્ધવિરામનો (Ceasfire) મંગળવારે પાંચમો દિવસ હતો. આ સમયગાળા દરમિયાન હમાસે 12 વધુ બંધકોને જ્યારે ઈઝરાયેલે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા. કતાર (Qatar) અને અમેરિકાની (America) મધ્યસ્થીથી ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું હતું, જે હવે છ દિવસનું થઇ ગયું છે. જેના પર ઇઝરાયેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુું કે અમે યુદ્ધવિરામ બાદ હમાસ પર વધુ તાકાતવર હુમલો કરીશું.
ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે, યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ અમે અમારા મિશન પર પાછા ફરીશું. એકવાર તેઓ બંધકોને મુક્ત કરવાનું બંધ કરી દે, અમે જે આયોજન કર્યું હતું તે કરવાનું શરૂ કરીશું. અમે હમાસને નષ્ટ કરી દઇશું. તેણે ફરીથી યુદ્ધ શરૂ કરવાની વાત કરી છે. જ્યારે ઇઝરાયેલના આ નિવેદન બાદ હમાસે શાંતિની અપીલ કરી છે.
ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ પાંચ દિવસમાં હમાસે મહિલાઓ અને બાળકો સહિત 81 બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલે આ સમયગાળા દરમિયાન 180 પેલેસ્ટિનિયન કેદીઓને જેલમાંથી મુક્ત કર્યા છે. આમાંના મોટાભાગના લોકો એવા હતા જેમને કોઈપણ આરોપ વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
હમાસના પોલિટિકલ બ્યુરોના સભ્ય ગાઝી હમાદે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સોમવારે વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. હમાસ હવે આ યુદ્ધવિરામને લંબાવવા માંગે છે. હમાસ સમજૂતી માટે તેની પાસે ઉપલબ્ધ તમામ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યો છે.
જો કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના લડવૈયાઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો, જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા. કતારની મધ્યસ્થીથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની અવધિ વધુ બે દિવસ લંબાવવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સોમવારે રાત્રે સમાપ્ત થઈ રહ્યો હતો પરંતુ હવે તેને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો છે.