નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં (ICCODIWorldCup2023) શાનદાર પ્રદર્શન કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (ViratKohli) એક મોટો નિર્ણય લઈ ચાહકોને ચોંકાવી દીધા છે. કોહલીએ આ વર્લ્ડ કપની 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. જોકે, તે ફાઇનલમાં ભારત માટે ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારે હવે કોહલીએ લીધેલા નિર્ણયના લીધે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.
હાલમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ઘરેલું T20 શ્રેણી રમી રહી છે. ભારત તેની પ્રથમ 3 મેચમાં 2-1થી આગળ છે. હવે આ શ્રેણી બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય ટીમે પહેલા 3 T20 મેચોની શ્રેણી રમવાની છે. આ પછી 3 મેચની વનડે સિરીઝ રમાશે. ત્યાર બાદ આખરે બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચોની સિરીઝ પણ રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ચાહકો માટે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર સફેદ બોલ (ODI-T20) શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે. એક અહેવાલ મુજબ કોહલીએ વ્હાઈટ બોલ ક્રિકેટથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પણ આપી છે.
કોહલી હવે વ્હાઈટ બોલ ક્રિકેટ ક્યારે રમશે?
કોહલી ક્યારે સફેદ બોલની ક્રિકેટ રમતા જોવા મળશે અથવા તે રમશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. રિપોર્ટ અનુસાર, કોહલીએ BCCI અને પસંદગી સમિતિને કહ્યું છે કે તે વ્હાઈટ બોલ ક્રિકેટ માટે ક્યારે ઉપલબ્ધ થશે તેની માહિતી તે પોતે આપશે. આવી સ્થિતિમાં ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે કદાચ કોહલીએ પોતાને વ્હાઈટ બોલ ક્રિકેટથી દૂર કરવાનું શરૂ કરી દીધું છે.
વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર રોહિત શર્મા તરફથી હજુ સુધી આવું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તે પણ આફ્રિકા પ્રવાસ પર વ્હાઈટ બોલની સિરીઝ નહીં રમે. કોહલી અને રોહિત બંને ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે.