ભરૂચ-ગાંધીનગર: રવિવારે ગુજરાત (Gujarat) રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (UnseasonalRain) બાદ વાતાવરણમાં (Weather) પલટો આવ્યો છે. તાપમાન નીચું જતા ઠંડીનો (Winter) ચમકારો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત આજે વહેલી સવારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગાઢ ધુમ્મસની (Fogg) ચાદર ફેલાયેલી જોવા મળી હતી.
ભરૂચ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું છે. શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ફુલ ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સથી વિઝિબ્લિટીમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. ઔદ્યોગિક વસાહતો અને દહેજ પોર્ટના કારણે વ્યસ્ત અહીંના હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
- વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી ભરૂચ જિલ્લામાં આવતો-જતો વાહનવ્યવહાર પ્રભાવિત
ભરૂચમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 અને દહેજ-ભરૂચ હાઇવે ઉપર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. જો કે સદનસીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જિલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી નથી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો
ભરૂચ જેવી જ સ્થિતિ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. અહીં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના લીધે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વિઝિટિબિલીટી એટલી ઘટી ગઈ હતી કે 100 ફૂટ દૂર પણ કશું જોઈ શકાતું નહોતું, તેના પગલે વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. પાર્કિંગ લાઈટ ચાલુ કરી વાહનો ચલાવવાની ફરજ પડી હતી. હાઈવે પર અનેક વાહનો સાઈડમાં પાર્ક થયેલા જોવા મળ્યા હતા.
કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યું
રાજ્યમાં ગઈ તા. 26મી નવેમ્બરને રવિવારના રોજ જોરદાર કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભેજનું પ્રમાણ વધતા એકાએક ઠંડીમાં પણ વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે, બીજી તરફ રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત છેક કચ્છ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે.