સુરત(Surat): આગાહી અનુસાર આજે શનિવારે તા. 25મી નવેમ્બરની વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના (SouthGujarat) વાતાવરણમાં અચાનક (ClimateChange) બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાંક ગામોમાં કમોસમી વરસાદી (UnseasonalRain) ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં ધીમો ઝરમર વરસાદ વરસ્યો હતો.
અંકલેશ્વર જિલ્લાના ગામોમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લીધે શિયાળા પહેલાં ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે ધુમ્મસ વચ્ચે કમોસમી વરસાદ વરસદા રસ્તાઓ પર વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. બીજી તરફ માવઠાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 27મી નવેમ્બર સુધી કમોસમી વરસાદ વરસે તેમ હોય ખેડૂતોની ચિંતા વધી છે. આ કમોસમી માવઠું દક્ષિણ ગુજરાતના શિયાળું પાકને મોટું નુકસાન પહોંચાડશે તેવો ભય ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. ખેડૂતોએ ડાંગરના પાકની કાપણી કરી મંડળી સુધી પહોંચાડવાની તૈયારી કરી લીધી હતી. જોકે, વહેલી સવારથી વરસાદ વરસતા લીલી શાકભાજી અને બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે.
ડાંગર અને કપાસ ભીનો ન આવે એ માટે 3 દિવસ માટે પુરષોત્તમ જિન મંડળી બંધ રાખવાનો નિર્ણય
સુરતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદ (માવઠા) પડવાની રાજ્યના હવામાન ખાતાની ચેતવણીને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર અને કપાસ ભીનો ન આવે એ માટે 3 દિવસ માટે પુરષોત્તમ જિન મંડળી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતનાં જહાંગીરપુરામાં ગોડાઉન ધરાવનાર પુરુષોત્તમ જિન ઓલપાડ મંડળી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આગામી 25 થી 27 ત્રણ દિવસ માટે જિન મંડળી બંધ રહેશે.
મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી 3 દિવસ સુધી ડાંગર અને કપાસ લેવાનું બંધ રહેશે. ખેડૂતોએ ડાંગર, કપાસ સાચવીને રાખે તે માટે સૂચના આપવામાં આવી છે. ખેતરમાં રહેલી પરાળ પણ સાચવવા અપીલ કરાઈ છે. જેથી મંડળી સાવચેતીના ભાગ સ્વરૂપે સભાસદોનાં હિતમાં ત્રણ દિવસ ડાંગર – કપાસ લેવાનું બંધ રહેશે. જેની જાણ ગામના સભાસદોને કરવા વિનંતી કરાઈ છે. ખેડૂત આગેવાન જયેશ એન. પટેલે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં છે. ડાંગરનો પાક કપાઈ ગયો છે. ત્યારે પરાળ ઢાંકી દેવું જોઈએ. જેથી પશુઓને ઘાસચારા માટે આપી શકાય.
અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભેગી અસરને પગલે માવઠું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ અરબ સાગરમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બીજી તરફ પંજાબ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે. આ બંને અસરોને કારણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ 27 તારીખે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માવઠા બાદ આગામી અઠવાડિયાથી તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જેને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે અને કડકડતી ઠંડીનો આરંભ થશે.