અનાવલ: (Anaval) મહુવાના વલવાડા બજારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવતાં લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. વલવાડા બજારમાં રાત્રે 1:30થી 2:30ના સમયગાળામાં ચોરોએ બંધ દુકાનનાં તાળાં તોડી રોકડ રકમની ચોરી કરી હતી.
- મહુવાના વલવાડા ગામે એક જ રાતમાં ચાર દુકાનમાં તસ્કરોનો હાથફેરો
- તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવતાં લોકોમાં ભયનો માહોલ
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વલવાડા બજારમાં રાત્રે 1:30થી 2:30ના સમયગાળામાં ચોરોએ બંધ દુકાનનાં તાળાં તોડી રોકડ રકમની ચોરી કરી હતી, જેમાં એક આશીર્વાદ એજન્સી ખાતે શશીકાંતભાઈની ખાતરની દુકાનમાં ચોરોએ પહેલા સી.સી.ટીવી કેમેરાને નુકસાન પહોંચાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જો કે, દુકાનમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં કેદ થાય એ પહેલાં ચોરે મોઢે આસન ઓઢી લીધું હતું. ત્યાં મૂકેલું લેપટોપ કે અન્ય કંઈપણ વસ્તુ ન લઈ જતાં ફક્ત ગલ્લામાં મૂકેલા રોકડ રકમની ચોરી કરી હતી. જો કે, ત્યાંથી એક કોલેજના નામવાળી ટી શર્ટ મળી આવી છે. જે હાલ પોલીસ તપાસનો વિષય છે.
ગંગાનાથ મોબાઇલની દુકાન સાથે લાઈનમાં ફૂટવેરની દુકાનનાં પણ તાળાં તોડવામાં આવ્યાં હતાં, જેમાં ફૂટવેરની દુકાનમાંથી કંઈ હાથ લાગ્યું ન હતું. મોબાઈલની દુકાનમાંથી રૂ.15,000થી વધુની રોકડ ચોરી ગયાનું દુકાનદાર પાસેથી જાણવા મળે છે. તો અન્ય એક ગેરેજનાં પણ તાળાં તોડી નાંખવામાં આવ્યાં હતાં. જ્યાં ગલ્લામાં મૂકેલા રોકડાની ચોરી થઈ હતી. આમ વલવાડા પંથકમાં એક જ રાત્રિમાં દુકાનોનાં તાળાં તોડી ચોરીની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.