આણંદ : વિદ્યાનગરમાં છેલ્લા દાયકા દરમિયાન વિકાસ સાથે કેટલીક બદી પણ ફુલી ફાલી છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બે જુથ વચ્ચે વારંવાર થતી મારામારી અહીં રહીને અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો વિષય બની છે. હાલમાં દિવાળી તહેવારમાં ફટાકડા ફોડવા બાબતે બન્ને જુથ લાકડી અને લોખંડની પાઇપ લઇ ફિલ્મીઢબે સામસામે આવી ગયાં હતાં. જોકે, પોલીસે તુરંત પગલા ભરતાં સગીર સહિત છની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટના સપ્તાહ બાદ પણ ચર્ચાનો વિષય બની છે.
વિદ્યાનગરના મોટા બજારમાં લક્ષ્મી ટી ચોકડી પાસે 13મી નવેમ્બરના રોજ ફટાકડા ફોડવા જેવી બાબતમાં ઠાકોર સમાજ તથા ભરવાડ સમાજના જુથ સામસામે આવી ગયાં હતાં. એટલે સુધી કે બન્ને પક્ષના ટેકેદાર યુવાનો લાકડી અને લોખંડની પાઇપથી સામસામે મારામારી પર ઉતરી આવ્યાં હતાં. જોકે, આ બનાવની જાણ થતાં વિદ્યાનગર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. જુજા સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. આ બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ કનુભાઈની ફરિયાદ આધારે કિશન ઠાકોર, અશોક નવીન ઠાકોર, ધવલ ઉર્ફે બોબો માછી, સુર્યો ભરવાડ, ડાકરો ભરવાડ, મૌસમ પટેલ, પુષ્પરાજ રાઠોડ, કરણ માછી, વિરલ ઉર્ફે તોતો, બોબો ભરવાડ, વિજય સહિતના માણસો સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં. જેમાં છ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સગીર સહિત કિશન ચીમન ઠાકોર, કૌશલ ઉર્ફે મેડીયો જયંતી વસાવા, ધવલ ઉર્ફે બોબો ગોપાલ માછી, અમીત નયન પરમાર અને અશોક નવીન ઠાકોરનો સમાવેશ થાય છે. આ શખ્સોમાં 5ના એક દિવસના રિમાન્ડ લેવામાં આવ્યાં છે.
મામલો શું હતો ?
વિદ્યાનગરમાં લક્ષ્મી ટી સ્ટોલ પાસે રાતના બારેક વાગ્યાના સુમારે રોડ પર ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં બે જુથના યુવાનો લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયાર સાથે સામે સામે આવી ગયાં હતાં. તેમાંય ફોરચ્યુનર ગાડી તથા સફેદ કલરની ગાડી સાથે આવેલા શખ્સોએ લક્ષ્મી ટી સેન્ટરવાળા હિતેશભાઈ પરમાર તથા અન્ય ત્રણ, ચાર ઇસમને મારી નાંખવાના ઇરાદે કારથી ટક્કર મારી ઇજા પહોંચાડી હતી.
વિદ્યાનગરમાં બે જુથ વચ્ચે વર્ચસ્વની લડાઇ ?
વિદ્યાનગરમાં છેલ્લા દાયકા દરમિયાન ઠાકોર અને ભરવાડ સમાજના જુથ વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. આ વર્ચસ્વ શા માટે મેળવું છે ? તે બાબત ચર્ચાનો વિષય છે. પરંતુ વિદ્યાનગરમાં આશરે 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ બહારથી અભ્યાસ કરવા આવે છે. તેઓ તેમના માતા – પિતાથી સેંકડો કિલોમીટર દુર છે. જેમની સુરક્ષા માટે માતા – પિતા સતત ચિંતિત હોય છે. આ સ્થિતિમાં બન્ને જુથ વચ્ચે કડક કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.