સુરત: સુરતના પુણા વિસ્તારમાં એક સ્પીડ બ્રેકરના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પુણાના રેશમા સર્કલ પરના સ્પીડ બ્રેકર પર વ્હાઈટ પટ્ટા મારવામાં આવ્યા નથી, જેના લીધે સ્પીડ બ્રેકર નજરે ચઢતું નહીં હોય સ્પીડમાં આવતા વાહનચાલકો ગફલત ખાઈ અકસ્માત કરી રહ્યાં છે.
અહીં રોજ અનેક અકસ્માત થતા હોય સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને બાઈક ચાલકો ઊંધા માથે પટકાઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સ્થાનિકોએ વાયરલ કર્યા બાદ પણ પાલિકાના પેટનું પાણી હલી રહ્યું નથી.
સુરત મહાનરપાલિકાની ધોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડ બ્રેકરના વાઈટ પટ્ટા ના હોવાથી અકસ્માત ઝોન બન્યો હોવાના વિડીયો વાઇરલ થયા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવતા પાલિકાના સતાધીશો સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. રાત્રી દરમ્યાન બાઈક ચાલકો સ્પીડ બ્રેકર ના કારણે પટકાઈ રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાઇક ચાલક જ નહીં પણ એક રીક્ષા પલટી મારી ગઈ હોવાનું નજરે જોયું છે. અવાર નવાર આવી ઘટનાઓ બની રહી છે. પાલિકાના અધિકારીઓ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યા હોય એમ કહી શકાય છે. આ બાબતે અનેક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.