‘‘જો કોઈ તમારા એક રૂપિયાના બે કરી આપવાની વાત કરે છે, તો તે તમારી પાસેથી એક રૂપિયો પણ છીનવી લેવા માંગે છે.’’ મને યાદ છે કે મેં ક્યાંક આવું વાંચ્યું હતું કે કોઈએ આવું કહ્યું હતું. આ વાક્ય ક્યારેય ભૂલશો નહીં. તેનું કારણ એ છે કે નેટવર્ક માર્કેટિંગના આધારે સેંકડો કંપનીઓ લોકો સાથે છેતરપિંડી કરે છે. તાજેતરમાં સહારા ગ્રુપના સ્થાપક સુબ્રતો રોયનું અવસાન થયું તે પછી હવે અમેરિકન કંપની એમ વે દ્વારા કઈ રીતે લોકોને કરોડપતિ બનવાનાં સપનાં દેખાડીને ઠગવામાં આવ્યા તેની વિગતો બહાર આવી રહી છે.
બાય ધ વે, લોકોને કરોડો રૂપિયાના માલિક બનવાનું સપનું વેચનારી આ પ્રકારની કંપનીઓ લોકોને લોભમાં નાખીને તેમના પૈસા હજમ કરી જાય છે. મલ્ટિ-લેવલ માર્કેટિંગ અથવા પિરામિડ સેલિંગની ફોર્મ્યુલા પર કામ કરતી અમેરિકન કંપનીએ ૧૯૯૮માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. એમ વે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડના નામથી ભારતમાં આવેલી આ કંપની એમ વેનું સંપૂર્ણ નામ ‘અમેરિકન વે’ છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેટવર્ક માર્કેટિંગ કંપની એમ વેની ૭૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ કંપનીએ ભારતના મધ્યમ વર્ગનાં લોકો પાસેથી મલ્ટિલેવલ માર્કેટિંગના ઓઠા હેઠળ આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ઝૂંટવીને તેમાંની ૮૦ ટકાથી વધુ સંપત્તિ વિદેશ મોકલી આપી હોવાનો આરોપ છે. ઇડીએ એમ વે પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવ્યો છે અને તેને પિરામિડ ફ્રોડ ગણાવ્યો છે. મલ્ટી લેવલ માર્કેટિંગને પિરામિડ સેલિંગ પણ કહેવામાં આવે છે; કારણ કે મલ્ટી-લેવલ માર્કેટિંગ સંપૂર્ણપણે પિરામિડના આકાર જેવું છે. પિરામીડના ટોચમાં બેઠેલી વ્યક્તિ સૌથી વધુ નફો કમાય છે અને નીચે તરફ વિસ્તરતું પિરામિડ પોતાની નીચે ઘણાં લોકોને ઉમેરતું રહે છે. કેન્દ્રમાં બેઠેલા વ્યક્તિની નીચેનાં લોકો પણ વધુ નફો મેળવવા માટે પોતાની નીચે વધુ લોકોને ઉમેરવાનો પ્રયાસ કરે છે. મલ્ટી-લેવલ માર્કેટિંગમાં જોડાનારાં લોકો જ ઉપભોક્તાઓમાં રૂપાંતરિત થાય છે.
એમ વે લોકોને એજન્ટો નથી બનાવતી પણ વિતરકો એટલે કે સ્વતંત્ર બિઝનેસ ઓનર્સ (IBO) બનાવે છે, જેઓ મલ્ટી-લેવલ માર્કેટિંગ હેઠળ સંભવિત ગ્રાહકોને કંપનીનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. આ દલાલીનો જ એક પ્રકાર છે, પણ તેને સોહામણું નામ આપી દેવામાં આવ્યું છે. આ સ્વતંત્ર વ્યવસાય માલિકો અન્ય લોકોને પણ IBO બનવા સક્ષમ બનાવે છે. તેઓ કરોડપતિ બનવાનાં સપનાં જુએ છે અને પોતાના ઘરમાં પરવડતો ન હોય તો પણ એમ વેનો માલ વાપરવા લાગે છે. તેમનાં પોતાનાં ઉત્પાદનોના વેચાણ ઉપરાંત આ IBOને ચેઈન સિસ્ટમમાં ઉમેરાતાં IBO ના વેચાણ પર પણ બોનસ આપવામાં આવે છે. સામાન્ય રીતે એમ વે ઈન્ડિયા જેવી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ સાથે સંકળાયેલાં લોકો તેમના પરિવારના સભ્યો અને મિત્રોને જ શીશામાં ઊતારે છે.
અન્ય કંપનીઓની જેમ એમ વે ઈન્ડિયા પોષણ, વ્યક્તિગત સંભાળ, ઘરેલુ અને સૌંદર્ય શ્રેણીઓમાં ઘણી ઉચ્ચ ગુણવત્તાવાળાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. એમ વે કંપનીનાં ઉત્પાદનો સાથે ઉચ્ચ ગુણવત્તા સંકળાયેલી હોય છે. સ્વાભાવિક છે કે તેમની કિંમત પણ અન્ય કંપનીઓ કરતાં ઊંચી હશે. ઇડીએ એમ વે પર એવો પણ આરોપ મૂક્યો છે કે કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મોટા ભાગની પ્રોડક્ટ્સની કિંમત બજારમાં ઉપલબ્ધ અન્ય પ્રતિષ્ઠિત ઉત્પાદકોનાં વૈકલ્પિક લોકપ્રિય ઉત્પાદનો કરતાં ઘણી વધારે હતી. ઇડી અનુસાર એમ વે કંપનીમાં જોડાનારાં મોટા ભાગનાં નવાં સભ્યો પોતાના ઉપયોગ માટે તેની પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા નથી. ઉલટાનું તેઓ ચેઈન સિસ્ટમમાં તેમની નીચે વધુ લોકોને ઉમેરીને નફો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે નવા સભ્યો એ જ સ્વપ્નો વેચે છે, જે તેને પિરામિડ સેલિંગ સિસ્ટમમાં તેના ઉપરના સભ્ય દ્વારા બતાવવામાં આવ્યા હતા. કમિશનની આ સાંકળ પ્રણાલીને કારણે કંપનીનાં ઉત્પાદનોની કિંમત ખરેખર વધે છે.
એમ વે કંપનીની સ્થાપના થઈ તે પહેલાં આ કંપનીના માલિકો ન્યુટ્રાલાઇટ કંપનીનાં ઉત્પાદનોની નિકાસ કરતા હતા. તે દરમિયાન તેમણે એમએલએમ કંપની વિશે ચર્ચા કરી હતી પરંતુ ૧૯૫૯માં લગભગ ૫,૦૦૦ વિતરકો સાથે એમ વે કંપની શરૂ કરવામાં આવી હતી. આ કંપનીના માલિકોએ ન્યુટ્રાલાઇટ કંપની ખરીદી લીધી હતી, જેમાં તેઓ કામ કરતા હતા. સતત મહેનતના કારણે આજે તેમની કંપની આખી દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. એમ વે કંપનીએ ધીરે ધીરે દરેક દેશમાં પોતાની સત્તા સ્થાપિત કરવાનું શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૧૯૭૧માં એમ વે કંપની પોતાનો ધંધો જમાવી ચૂકી હતી. આ પછી ૧૯૭૩ માં આ કંપની યુરોપમાં લોકપ્રિય થઈ.
આ બધા દેશોની સાથે ૧૯૭૯ એડીમાં એમ વે કંપનીએ જાપાનમાં ધંધો શરૂ કર્યો, જેના કારણે આ કંપનીની શાખાઓ આજે પણ જાપાનમાં છે. ૧૯૮૭માં થાઈલેન્ડ અને ૧૯૯૫માં ચીનની સાથે આ કંપનીએ ૧૯૯૮માં ભારતમાં પ્રવેશ કર્યો હતો. એમ વે કંપનીની શાખાઓ લગભગ એકસો આઠ દેશોમાં આવેલી છે. એમ વે કંપનીનાં ઉત્પાદનોની લગભગ તમામ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમની પાસે મોટી સંખ્યામાં કાયમી ગ્રાહકો છે, જેઓ આ કંપનીનાં ઉત્પાદનો ખરીદે છે.
આજે ભારતમાં ઘણાં એવાં નાગરિકો છે, જેઓ એમ વે કંપનીમાં જોડાઈને અને ઘરે બેઠા ઓનલાઈન કામ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. આ કંપની મધ્યમ વર્ગનાં બેરોજગારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે, કારણ કે લોકો ઘરે બેઠા આ કંપનીમાં જોડાઈ શકે છે અને વિવિધ પ્રકારનાં કામ કરીને પૈસા કમાઈ શકે છે. ઘણાં એવાં વિદ્યાર્થીઓ છે, જેમણે આ કંપનીમાં જોડાઈને કામ કરવાનું શરૂ કર્યું છે. મહિલાઓ માટે આવી ઘણી સેવાઓ છે જે આ કંપની પૂરી પાડે છે. તેને કારણે લાખો મહિલાઓ પણ આ કંપનીમાં જોડાઈ છે.
મુંબઈ અને સુરત જેવાં શહેરોમાં મહિલાઓની કિટ્ટી પાર્ટીઓ યોજાય છે, તેમાં એમ વેનું માર્કેટિંગ કરવામાં આવે છે. એમ વેના એજન્ટો કોઈ પણ જાહેર કાર્યક્રમમાં પહોંચી જાય છે અને પોતાનું માર્કેટિંગ શરૂ કરી દે છે. એમ વેના એજન્ટોને માર્કેટિંગની તાલીમ આપવા માટે આલિશાન બેન્ક્વેટ હોલ ભાડે રાખીને તેમાં શૈક્ષણિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે પણ ફી વસૂલ કરવામાં આવતી હોય છે. તેમાં પ્રભાવશાળી મોટિવેશનલ સ્પિકરોને બોલાવવામાં આવે છે.
તેમાંના મોટા ભાગનાં લોકો એમ વેમાં જોડાયા પછી કરોડપતિ બન્યા હોય છે. આવા મુઠ્ઠીભર કરોડપતિઓની વૈભવશાળી લાઈફસ્ટાઈલ જોઈને મધ્યમ વર્ગનાં લાખો લોકો એમ વેના એજન્ટ બને છે અને સપનાંઓ જુએ છે. ઇડીએ જણાવ્યું છે કે ‘‘કંપનીએ ૨૦૦૨-૦૩ થી ૨૦૨૧-૨૨ દરમિયાન તેના વ્યવસાયમાંથી કુલ રૂ. ૨૭,૫૬૨ કરોડની રકમ એકત્ર કરી હતી. તેમાંથી તેણે ભારત અને અમેરિકામાં તેના વિતરકો અને સભ્યોને રૂ. ૭,૫૮૮ કરોડની ચૂકવણી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે એમ વેએ મલ્ટી-લેવલ માર્કેટિંગ નેટવર્ક અને ડાયરેક્ટ સેલિંગની આડમાં પિરામિડ છેતરપિંડી કરી હતી. એમ વેએ મલ્ટિ-લેવલ માર્કેટિંગ એટલે કે પિરામિડ સેલિંગમાં ઉત્પાદનોની મદદથી આ છેતરપિંડી છૂપાવવાનો પ્રયાસ કર્યો છે.’’ એમ વે ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘‘આ કાર્યવાહી ૨૦૧૧ના કેસને લઈને છે. એમ વે સરકારનો સહયોગ કરવાનું ચાલુ રાખશે.’’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.