Columns

એક ભૂલ માફ

એક દિવસ બાર વર્ષનો નિહાર અને તેના દાદા ઘરમાં હતા, બાકી બધા બહાર ગયાં હતાં. દાદા તેમની રૂમમાં આરામ કરી રહ્યા હતા અને દાદાને એકલા મૂકીને બહાર રમવા જવાય નહિ એટલે નિહાર ઘરમાં ક્રિકેટ રમી રહ્યો હતો. અચાનક જરા જોરથી ફટકો લાગ્યો અને બોલ સીધો મમ્મીના ફેવરીટ ફ્લાવરવાઝ સાથે અથડાયો અને ફ્લાવરવાઝ તૂટી ગયું. નિહાર વિચારવા લાગ્યો કે મમ્મીને ખબર પડશે તો બહુ ખીજાશે.

એટલે તેને ફટાફટ ફેવી ક્વિક લઈને ફ્લાવરવાઝ જોડી દીધું અને બરાબર ગોઠવીને શાંતિથી હોમ વર્ક કરવા લાગ્યો. ફ્લાવરવાઝ તૂટવાનો અવાજ સાંભળીને દાદા બહાર આવ્યા અને જોયું કે નિહાર તૂટેલા ફ્લાવરવાઝને ફેવીક્વીકથી જોડી રહ્યો હતો.દાદાએ પૂછ્યું, ‘શું થયું દીકરા?’ નિહાર ખોટું બોલ્યો, ‘કંઈ નહિ દાદા, આ ફલાવરવાઝ પર ધૂળ હતી તે સાફ કરીને ફૂલ બરાબર ગોઠવતો હતો.’નિહાર ખોટું બોલ્યો તે દાદાને ગમ્યું નહિ.તેમણે નિહારને કહ્યું, ‘દીકરા, જરા મને પાણી આપ.’નિહાર પાણી લઈને આવ્યો.દાદાએ ફરી પૂછ્યું, ‘કૈંક તૂટવાનો અવાજ આવ્યો હતો ને?’નિહાર વળી ખોટું બોલ્યો, ‘ના, ના, દાદા આપણા ઘરમાં કોઈ અવાજ નથી થયો.

બહારથી આવ્યો હશે.’ નિહારને ફરી ખોટું બોલતાં સાંભળીને દાદા દુઃખી થયા.પણ પછી નક્કી કર્યું કે તેને સમજાવો તો પડશે જ કે ખોટું બોલાય નહિ જ.દાદા બોલ્યા, ‘નિહાર દીકરા, અહીં મારી પાસે બેસ અને મારી વાત સાંભળ.જીવનમાં કયારેય પણ કોઇ પણ ભૂલ થાય તો ભલે થાય…જે ભૂલ થઇ હોય તે કબૂલ કરી લેવી.કોઇ પણ માણસથી ભૂલ થાય તેમાં વાંધો નહિ.ભૂલ થાય તો તે સ્વીકારી લઈને તેમાંથી શીખવું જોઈએ કારણકે માણસ ભૂલ કરે તો જ શીખે અને આગળ વધે.પણ પોતાનાથી ભૂલ થાય તેને બધાથી છુપાવવી …સ્વીકારવી નહિ અને ભૂલ છુપાવવા ખોટું બોલવું તે સૌથી મોટો અપરાધ છે.

પહેલી ભૂલ માફીને લાયક હોય છે, પણ જો તે ભૂલ છુપાવવા એક પછી એક ખોટું બોલવામાં આવે તો તે બીજી મોટી ભૂલ થાય છે અને દંડનીય અપરાધ બની જાય છે.એકની એક ભૂલ વારંવાર ન કરવી ..ભૂલ થાય તો સ્વીકાર કરવો અને ભૂલ છુપાવવા ખોટું ક્યારેય ન બોલવું.’ દાદાની વાત સાંભળી નિહાર સમજી ગયો કે દાદાને ખબર પડી ગઈ લાગે છે કે હું ખોટું બોલી રહ્યો છું.તે રડવા લાગ્યો અને તરત દાદાને કહ્યું, ‘દાદાજી, મારાથી આ ફ્લાવરવાઝ તૂટ્યું પણ મમ્મીને ખબર ન પડે એટલે મેં તે ચીટકાવી ગોઠવી દીધું.

મેં મારી ભૂલ છુપાવી અને તમારી પાસે ખોટું બોલ્યો, મને માફ કરો.’દાદાએ કહ્યું, ‘દીકરા, કયારેય ખોટું બોલતો નહિ , ભૂલ છુપાવતો નહિ, સ્વીકારીને માફી માંગી લેજે તો તે ભૂલ માફીને લાયક રહે છે.મમ્મીને પણ સાચું કહી દેજે.’નિહારે મમ્મીને સાચી વાત જણાવી દીધી અને તેને ડર હતો કે મમ્મી ખીજાશે પણ મમ્મીએ, ‘દીકરા તેં ભૂલ સ્વીકારી લીધી અને સાચું બોલ્યો એટલે વાંધો નહિ.’એમ કહીને તરત માફ કરી દીધો.દાદાની વાત સાચી સાબિત થઈ.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top