નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે ભાજપના (BJP) દિવાળી મિલન કાર્યક્રમમાં પહોંચયા હતા. જ્યાં તેમણે પત્રકારોને સંબોધિત કરતા ઘણાં મુદ્દાઓ પર પ્રકાશ નાખ્યું હતું. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ડીપફિક વીડિયો (Deepfake Video) પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ આ ડીપફેક વીડિયોની નિંદા કરી હતી. પીએમ મોદીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે થોડા સમય પહેલા સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો (Rashmika Mandanna) એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેનો તમામ સેલિબ્રિટી અને અમિતાભ બચ્ચને પણ વિરોધ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ‘ડીપ ફેક’ બનાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ચિંતાજનક છે. તેમણે મીડિયાને વિનંતી કરી કે તેઓ આ ઉભરી રહેલા સંકટ વિશે લોકોને જાગૃત કરે. અહીં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા, તેમણે ભારતને “વિકસિત ભારત” બનાવવાના તેમના સંકલ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો. AI વિશે વાત કરતા પીએમ મોદીએ પણ પોતાનો એક કિસ્સો શેર કર્યો. તેમણે કહ્યું કે તાજેતરમાં મેં એક વીડિયો જોયો જેમાં હું ગીત ગાતો હતો. મને ગમતા કેટલાક લોકોએ મને મોકલ્યો છે.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ને લોકોનું સમર્થન મળ્યું છે. વડાપ્રધાને કહ્યું કે કોવિડ-19 દરમિયાન ભારતની સિદ્ધિઓએ લોકોમાં વિશ્વાસ પેદા કર્યો છે કે દેશ હવે અટકવાનો નથી. તેમણે એમ પણ કહ્યું કે છઠ પૂજા ‘રાષ્ટ્રીય તહેવાર’ બની ગઈ છે જે ખૂબ જ ખુશીની વાત છે.
બીજી તરફ ભારત દ્વારા આયોજિત બીજા ‘વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતી વખતે, વડા પ્રધાને કહ્યું કે ભારતે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો સામનો કરવા માટે વાતચીત, મુત્સદ્દીગીરી અને સંયમ પર ભાર મૂક્યો છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોની હત્યાની સખત નિંદા કરતા PMએ શુક્રવારે કહ્યું કે પશ્ચિમ એશિયાના વિકાસથી નવા પડકારો ઉભરી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે કે ‘ગ્લોબલ સાઉથ’ના દેશોએ આપણે આપણું સમર્થન કરવું જોઈએ. સમગ્ર વિશ્વના વિશાળ હિતમાં સાથે મળીને અવાજ ઉઠાવવો જોઇએ.