ઉત્તરકાશીમાં (Uttarakhand) નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન (Landslide) થયા બાદ બીજા દિવસે પણ બચાવ કાર્ય (Rescue) ચાલુ છે. સુરંગની અંદર 40 થી વધુ કામદારો ફસાયેલા છે, જ્યારે બચાવ ટુકડીઓ ટનલમાં 15 મીટર સુધી ઘૂસવામાં સફળ રહી હતી. બચાવ કાર્યકરોનું કહેવું છે કે ફસાયેલા 40 કામદારોના સ્થાન સુધી પહોંચવા માટે ટીમોએ હજુ 35 મીટર વધુ કાટમાળ હટાવવાનો બાકી છે. જો કે બચાવકર્મીઓએ ફસાયેલા કામદારો સાથે વાતચીત કરી છે.
NDRFની ટીમોનું કહેવું છે કે અંદર ફસાયેલા કામદારોને નાસ્તો અને પાણી આપવામાં આવ્યું છે. તેમને આશા છે કે આજે સાંજ સુધીમાં તેઓ કાટમાળ તોડીને કામદારોને બહાર કાઢી લેશે. અમે ફસાયેલા કામદારોને થોડી ચિપ્સ અને પાણી આપવાનું વ્યવસ્થાપિત કર્યું છે. અમે ખાતરી કરી શકીએ છીએ કે કામદારો સલામત સ્થિતિમાં છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશીમાં સિલ્ક્યારા પાસે એક ટનલને કારણે થયેલા ભૂસ્ખલનની ઘટનાનું સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામી સતત અધિકારીઓ પાસેથી પરિસ્થિતિ અંગે અપડેટ લઈ રહ્યા છે. હવે અમે ગ્રાઉન્ડ પર જઈને સ્થળ પર તપાસ કરી છે. અધિકારીઓ સાથે વાત કરી છે. સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે રાહત અને બચાવ કામગીરી 30 કલાકથી વધુ સમયથી સતત ચાલી રહી છે.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના અંગે ઉત્તરકાશી જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક રોહિલાએ કહ્યું કે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. લોકોને વહેલી તકે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવા પુરી પાડવામાં આવી રહી છે. તેમની સાથે વાતચીત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
જણાવી દઇએ કે ઓલ વેધર રોડ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી રહેલી આ ટનલની લંબાઈ 4.5 કિમી છે. તેમાંથી ચાર કિમીનું બાંધકામ પૂર્ણ થયું છે. અગાઉ ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનો સમય સપ્ટેમ્બર 2023 નક્કી થયો હતો પરંતુ હવે તેને માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.