ગાઝામાં ઇઝરાયેલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ યુએનએસસીને કહ્યું હતું કે ઇઝરાયલના બોમ્બધડાકાને કારણે ગાઝામાં દર દસ મિનિટે એક બાળક મરી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝાના 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં 4506 બાળકો હતાં. આ સાથે જ ઇઝરાયલે 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પહેલાં 1400 લોકો માર્યા ગયા હોવાની માહિતી હતી, પરંતુ હવે આ સંખ્યા 1200 થઈ ગઈ છે.
આખી દુનિયા જાણે છે કે સતત સંઘર્ષમાં રહેતા મીડલ ઇસ્ટમાં લાંબા સમયથી શાંતિ સ્થપાઇ હતી. આ શાંતિમાં હમાસે જ પલિતો ચાંપ્યો છે. જો હમાસે ઇઝરાયેલ ઉપર હુમલો કર્યો ન હોત તો અત્યારે 11000 લોકો આ દુનિયામાં શ્વાસ લઇ રહ્યાં હોત એ વાત પણ સનાતન સત્ય છે. ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો ઇઝરાયલ પર ગાઝામાં બોમ્બમારો બંધ કરવા દબાણ કરી રહ્યા છે.
ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે હવે વાતચીતની નહીં, પણ કાર્યવાહીની જરૂર છે. ગાઝામાં થઈ રહેલી હત્યાઓ વિરુદ્ધ હવે મુસ્લિમ દેશોએ એકસાથે આવવું જોઈએ. બીજી તરફ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઇઝરાયલને યુદ્ધવિરામની અપીલ કરી છે. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ગાઝામાં મહિલાઓ અને બાળકોની હત્યા હવે બંધ થવી જોઈએ. જોકે મેક્રોને એમ પણ કહ્યું છે કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મેક્રોનના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગાઝામાં થયેલાં મોત માટે ISIS અને હમાસ જવાબદાર નથી. દુનિયાએ તેમની ટીકા કરવી જોઈએ, આપણી નહીં. નેતન્યાહુએ વિશ્વને ચેતવણી આપી અને કહ્યું- ગાઝામાં હમાસ દ્વારા કરાયેલા અપરાધો પેરિસ, ન્યૂયોર્ક અને સમગ્ર વિશ્વમાં થઈ શકે છે. અલ-જઝીરાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હમાસના વડા ઈસ્માઈલ હાનીયેની પૌત્રી રોઆ હાનીયે શુક્રવારે ગાઝા શહેરમાં ઇઝરાયલના બોમ્બમારામાં મોતને ભેટી હતી. ઇઝરાયલની સેનાએ આ માહિતીની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે ગાઝામાં ઘણા લોકો માર્યા ગયા છે. તેમને બચાવવા માટે જરૂરી પગલાં લેવા પડશે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું હતું કે તેઓ યુદ્ધ બાદ ગાઝાની જવાબદારી લેવા તૈયાર છે. ખરેખર ઇઝરાયલની રચના પછી પેલેસ્ટિનિયન આરબોની વસતિ માત્ર બે ભાગમાં રહી હતી. વેસ્ટ બેંક અને ગાઝા.
વેસ્ટ બેંક પર પેલેસ્ટિનિયન ઓથોરિટીનો કબજો છે અને ગાઝા પર હમાસનું શાસન છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે તેઓ ગાઝા પર કબજો નહીં કરે. જોકે તેમનું કહેવું છે કે અમે ગાઝાને વધુ સારું ભવિષ્ય આપીશું. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે હાલમાં જ ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર એક કાર્ટૂન બનાવ્યું હતું. આમાં હમાસ પોતાની સુરક્ષા માટે સામાન્ય લોકોનો ઉપયોગ કરતી જોવા મળે છે.
તે ઇઝરાયલના સંરક્ષણ દળો દ્વારા પણ શેર કરવામાં આવ્યું હતું. આ કાર્ટૂનને હ્યુમન શીલ્ડ નામ આપવામાં આવ્યું હતું. જોકે ટીકા બાદ વોશિંગ્ટન પોસ્ટે એને ડિલિટ કરી દીધું હતું. વોશિંગ્ટન પોસ્ટના અભિપ્રાય વિભાગના વડા ડેવિટ શિપલીએ પણ આ માટે માફી માગી છે. અમેરિકામાં માત્ર કાર્ટૂન જ નહીં, યુદ્ધના નારાનો ઘણો ઉલ્લેખ કરવામાં આવે છે. આ સૂત્ર છે – પેલેસ્ટાઈન નદીઓથી સમુદ્ર સુધી આઝાદ છે. યુએસ સંસદમાં આ નારા લગાવવા બદલ સાંસદ રાશિદા તલાયબને સેન્સર કરવામાં આવ્યા છે.
ખરેખર આ સૂત્ર 1960ના દાયકામાં શરૂ થયું હતું. સૂત્રોચ્ચાર કરતા લોકો માનતા હતા કે પેલેસ્ટાઈનની સરહદ 1948 પહેલાં જેવી જ હોવી જોઈએ. મતલબ કે આજે જ્યાં ઇઝરાયલ છે ત્યાં પેલેસ્ટાઈનનું શાસન હોવું જોઈએ. આ સૂત્રમાં નદીનો અર્થ જોર્ડન સાથે છે તેમજ સમુદ્રનો અર્થ છે ભૂમધ્ય સાગર સાથે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, એટલે કે WHOએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. કહ્યું- યુદ્ધની વચ્ચે ગાઝામાં સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. અહીં ગંભીર બીમારીઓ ફેલાવાની આશંકા છે.