ભારતવર્ષનો પ્રત્યેક રાજ્યનો અતિપ્રિય તહેવાર અર્થાત્ દિવાળી વિક્રમ સંવત મુજબના માસનો અંતિમ દિન દિવાળી સ્વરૂપે ઉજવાય એ અમાસ સૌને પ્રિય! પરંતુ થોડાં વર્ષોથી કંઈક એ તહેવારની ઉજવણીમાં ઓટ આવેલી કદાચિત્ જણાય છે. વર્ષો પહેલાં જે એકમેક સહિત આ તહેવારની ઉજવણી થતી હતી એમાં કંઇક અંશે કંઇ ખૂટતું લાગે છે! વહેવારમાં જાણે ઔપચારિકતા મહેસૂસ થાય છે! ખરીદીનો આનંદ કદાચ મોંઘવારીને કારણે ઓછો થયો હોઈ શકે, પણ નૂતન વર્ષે એકમેકને ગૃહે જઈ ‘સાલમુબારક’કહેવાની પ્રથા પહેલાં કરતાં ઓછી થઈ ગઈ નથી લાગતી? દિવાળી કાર્ડ જવલ્લે જ ટપાલમાં આવે છે! પરિવારને લઈ દિવાળીના દિવસોમાં જ પ્રવાસ ગોઠવાઈ જાય છે!
સ્વગૃહે જે નાસ્તા બનતા તેનું સ્થાન તૈયાર નાસ્તાએ લઈ લીધું લાગે છે! (કડાકૂટ કોણ કરે) ‘શોપીંગ’નો મહિમા જળવાઈ રહ્યો લાગે છે! પણ માનવીય સંબંધોમાં અવશ્ય ખાલીપો વ્યક્ત થઈ રહ્યો છે. સોસાયટીઓમાં સ્નેહમિલનની પ્રથા થઈ ગઈ છે જેથી ઘરે જઈને સાલમુબારક કહેવામાંથી મુક્તિ મળી ગઈ! મીઠાઈનું સ્થાન ચોકલેટે લઈ લીધું છે! વડીલોને વંદન કરવાની પ્રથા અમુક પરિવારમાં જળવાઈ રહી હશે એમ માનવું જ રહ્યું. ફટાકડાએ એનું સ્થાન જાળવી રાખ્યું છે! પણ પહેલાંની દિવાળી જેવો ‘ચાર્મ’કદાચિત્ નથી જ! સોશ્યલ મિડિયા પર નવલા વર્ષની મુબારકબાદી આપી દેવાનો સમય છે એવું ફલિત થાય છે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અંધકાર અને પ્રકાશ બંનેના સહયોગથી
ઓશોએ કહ્યું છે; આ જીવનમાં જે પણ મહત્ત્વપૂર્ણ ઘટિત થાય છે એ અંધકાર અને પ્રકાશ બંનેના સહયોગથી ઘટિત થાય છે. બીજ વાવીએ છીએ અંધકારમાં, પુષ્પ આવે છે પ્રકાશમાં. એક બીજને પ્રકાશમાં રાખો, તો પુષ્પ ક્યારે ય નહીં આવે. એક બાળક જન્મે છે માના પેટના ઘેરા અંધકારમાં, જ્યાં પ્રકાશનું એક પણ કિરણ નથી પહોંચતું. પછી જ્યારે મોટું થાય છે તો આવે છે પ્રકાશમાં. અંધકાર અને પ્રકાશ એક જ જીવનશક્તિ માટે આધારરૂપ છે. જીવનમાં વિભાજન, વિરોધ મનુષ્યનિર્મિત છે.
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હવે ફોર્માલિટી રહી ગઈ છે
સાપ ગયા અને લિસોટા રહી ગયા. જરીપુરાણા અને જર્જરિત રૂઢિ રિવાજોને તિલાંજલિ આપો. નવી પેઢીને નવાં વસ્ત્રો પહેરીને મહાલવાનું ગમે છે. પણ લગ્નમાં ઘસાયેલી વિધિ જોતાં ગોર મહારાજને પોતાને પણ શ્લોકોનો અર્થ ખબર હોતો નથી. તેને તરભાણામાં અને આમંત્રિતોને ભોજનમાં રસ હોય છે. વિધિ દરમિયાન ગામ ગમતા કે મોબાઈલમાં સતત ચોંટેલા હોય છે. કથા પારાયણમાં નવી પેઢીને જરા પણ રસરુચિ રહી નથી. વડીલો અને પ્રૌઢો પરાણે વળગી રહે છે. પ્રસાદિયા ભગતો પણ છેલ્લા અર્ધો કલાક આરતીના સમયે લોકલાજે હાજરી પુરાવવા ભેગા થાય છે.
રાંદેર – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.