ઇઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) ચાલુ છે. દરમિયાન શુક્રવારે સાંજે પ્રથમ વખત અન્ય દેશમાંથી ઇઝરાયેલ પર હવાઈ હુમલો થયો હતો. શુક્રવારની રાત્રે લેબનોનથી 3 વિમાનોએ (Plane) ઈઝરાયેલની સીમામાં ઘૂસણખોરી કરી હતી. એકને IDF એરિયલ ડિફેન્સ એર દ્વારા અટકાવવામાં આવ્યું હતું જ્યારે અન્ય બે ઉત્તરમાં પડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ હવાઈ હુમલા માટે 3 ફાઈટર જેટ લેબનીઝ બોર્ડરથી ઉડાન ભરીને ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા હતા. હિઝબુલ્લાહ લેબનોનમાં આતંકવાદી સંગઠન છે. હમાસ પર ઈઝરાયેલના વળતા હુમલાની સાથે સાથે લેબનોનના હિઝબુલ્લાના આતંકવાદીઓ પણ રોકેટ લોન્ચર અને ક્યારેક મિસાઈલ વડે હુમલો કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે સાંજે હવાઈ હુમલો પણ થયો હતો. એ અલગ વાત છે કે ઈઝરાયેલની વાયુસેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
બીજી તરફ ઈરાને ચેતવણી આપી છે કે હમાસ સામે ઇઝરાયેલનું યુદ્ધ અનિવાર્યપણે સંઘર્ષના વિસ્તરણ તરફ દોરી જશે જેના પરિણામે મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ થશે. દરમિયાન હમાસ-નિયંત્રિત પેલેસ્ટિનિયન એડમિનિસ્ટ્રેશને દાવો કર્યો છે કે ઇઝરાયલે ગાઝાની કેટલીક હોસ્પિટલો પર અથવા તેની નજીક હવાઈ હુમલા કર્યા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓ દાવો કરે છે કે ગુરુવાર સુધીમાં ઇઝરાયેલી હવાઈ અને તોપખાનાના હુમલામાં ગાઝાના 10,812 રહેવાસીઓ માર્યા ગયા છે. જેમાંથી લગભગ 40% બાળકો છે.
યુદ્ધને કારણે ગાઝામાં માનવતાવાદી સંકટ વધુ ઊંડું બન્યું છે. ગાઝા પટ્ટીમાં સામાન્ય લોકો માટે ખોરાક અને પાણી જેવો મૂળભૂત પુરવઠો સમાપ્ત થઈ ગઈ છે અને ગોળીબારના કારણે મોટી સંખ્યામાં નાગરિકો પણ તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે. ત્યારે હવે શુક્રવારે સાંજે ઇઝરાયેલમાં લેબનોન તરફથી થયેલા હુમલાઓએ યુદ્ધને વધુ ઘાતક બનાવ્યું છે.