Charchapatra

પ્રભાવી ભારતનું નેતૃત્વ

દેશના  વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના (આઇએઇએ) ડિરેકટર જનરલ રાફેલ મારીયોના ગ્રોસી સાથે બેઠક યોજવામાં આવી જેમાં ડિરેકટર જનરલ ગ્રોસીએ શાંતિ અને વિકાસ માટે અણુ ઊર્જાના સુરક્ષિત ઉપયોગ માટે ભારતની કાયમી પ્રતિબધ્ધતા પર ભાર મૂકેલ હતો અને ભારતના જવાબદાર પરમાણુશકિત તરીકેના દોષરહિત રેકોર્ડની પ્રશંસા કરી હતી તથા પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની હરણફાળ સિધ્ધિને બિરદાવેલ હતી. વિશ્વમાં સામાજિક લાભો માટે નાગરિક પરમાણુ કાર્યક્રમોમાં ભારતના નેતૃત્વની સરાહના વિશ્વમાં આપણા દેશની તેમજ દેશના નેતૃત્વની વિશ્વસનીયતા સાબિત કરે છે.

વિશ્વમાં આજે ઇઝરાયેલ હમાસ યુધ્ધ ધર્મયુધ્ધ બનવા તરફ જઇ રહ્યું છે અને ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વિશ્વના અણુબોંબ ધરાવનારા દેશોની કસોટી થનાર છે તેવા સમયે આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીના વડાની આપણા દેશ બાબતે અને દેશના નેતૃત્વ બાબતેનું નિવેદન સૂચક ગણી શકાય, જે દેશને ગૌરવ આપનારું ગણી શકાય. અમેરિકાના સંરક્ષણ વિભાગે અમેરિકન કોંગ્રેસને ચીનના લશ્કર અંગેના રીપોર્ટમાં જણાવેલ છે કે ચીન ધારણા કરતાં અનેકગણી ઝડપે પરમાણુ હથિયારો વધારી રહ્યું છે અને ચીન નવી ખૂબ જ શકિતશાળી ઇન્સ કોન્ટીનેન્ટલ બેવેસ્ટીક મીસાઇલ પણ બનાવી રહ્યું છે અને ચીન પાસે 500 પરમાણુ બોમ્બનો જથ્થો થયેલ છે.

બ્રિટનના વડા પ્રધાને પણ જણાવેલ છે કે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સના (એઆઇ)ના કારણે કેમીકલ અને બાયોલોજીકલ વેપન્સ બનાવવા માટે સરળ થઇ જશે. આજે જયારે અમેરિકા પાસે 5428 અને રશિયા પાસે 5977 અણુબોંબો સહિતના વિશ્વમાં કુલ આશરે 13000 અણુબોંબ અસ્તિત્વમાં છે અને આજે ત્રીજા વિશ્વયુધ્ધનું વાતાવરણ નિર્માણ થયેલ છે એ કેમીકલ બાયોલોજીકલ વેપન્સ બનાવવા માટેની ચર્ચાઓ ચાલુ થયેલ છે ત્યારે વિશ્વની શાંતિના મૂળ ધ્યેય સાથે વર્ષો પહેલાં બનાવેલ સંગઠન યુનોએ તેમજ આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સીએ હાલ પૂરતું અણુબોંબની સંખ્યા ઘટાડવા માટે અથવા યુધ્ધ માટે અણુબોંબ ન વાપરવાના નિર્ણય વિશ્વના નાગરિકોના હિતમાં અગ્રિમતાને ધોરણે સત્વરે લેવાની જરૂર છે. વિશ્વને ઉપકારક આવા નિર્ણય માટે જરૂર લાગે તો યુનો આપણા ભારત જેવા વિશ્વસનીય દેશની તથા તેના પ્રભાવી નરેન્દ્ર મોદીના નેતૃત્વની મદદ લઇ શકે.
અમદાવાદ         -પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

કોલસાના વિકલ્પ રૂપે ઊર્જા (વિજળી) મેળવવાના અન્ય વિકલ્પો
આપણા દેશમાં મુખ્યત્વે કોલસા પર વિજળી સપ્લાયનો આધાર છે. સેન્ટ્રલ ઇલેકટ્રીક સિટી ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિજ ઉત્પાદન ક્ષેત્રમાં સપ્ટેમ્બર માસમાં કોલસાની આયાત વધી આશરે 55 થી 56 લાખ ટન જેટલી થઇ છે. વળી કોલસો આયાત કરવો ખૂબ જ મોંઘી પડી રહ્યો છે. તો બીજી તરફ દેશમાં વિજળીનો વપરાશ વાર્ષિક ધોરણે સપ્ટેમ્બરમાન આશરે 11 ટકા જેટલો વધ્યો છે તથા આવો વપરાશ વધી 140 અબજ યુનિટની સપાટી વટાવી ગયો છે. દરમિયાન તાજેતરમાં દેશ વ્યાપી ધોરણે વિજળી ઉત્પાદક પાવર પ્લાન્ટોમાં કોલસાનો સિલ્લક જથ્થો પણ ઘટી ગયાના સમાચાર મળ્યા હતા. આ પરિસ્થિતિમાં કોલસાના વિકલ્પ રૂપે દેશમાં વિપુલ પ્રમાણમાં જે કુદરતી સંપત્તિ છે તેનો મહત્તમ ઉપયોગ વિજ ઉત્પાદન માટે કરવાની તાતી જરૂર છે. સૌર (સૂર્ય) અને પવનચક્કી દ્વારા ઉર્જા (વિજળી) મેળવવાના વધુ ને વધુ આયોજનો હાથ ધરવાની તાતી જરૂર છે.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top