સોનાના ભાવ સતત વધતા જાય છે અને હાલમાં ભારતમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ પંચાવન હજારને વટાવી ગયો છે ત્યારે સ્વાભાવિક રીતે સોનાની ખરીદીમાં ઘટાડો થવો જોઇએ પરંતુ તેના બદલે સુવર્ણની ખરીદી વધી છે અને હાલમાં ચાલુ કેલેન્ડર વર્ષના ચાલુ ત્રિમાસિક ગાળાની અગાઉના ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માગમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો.
જે કિંમતી પીળી ધાતુનો વિશ્વનો સૌથી મોટો વપરાશકાર દેશ છે તે ભારતમાં ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માગ ૧૦ ટકા વધીને ૨૧૦.૨ ટન પર પહોંચી હતી, જેને સોનાની હળવી થતી કિંમતો અને તહેવારોની ખરીદીથી મદદ મળી હતી એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ(ડબલ્યુજીસી)એ જણાવ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં સોનાની કિંમત ભલે થોડી ઘટી હોય પરંતુ અગાઉના કેટલાક મહિનાઓ પહેલાના સમય કરતા તો તેની કિંમત ઘણી વધારે જ છે છતાં લોકોએ તેની મોટા પ્રમાણમાં ખરીદી કરી છે જે ભારતીયોનું સોના પ્રત્યેનું અદમ્ય આકર્ષણ સૂચવે છે.
ડબલ્યુજીસીના ઇન્ડિયા રિજીયોનલ સીઇઓ સોમસુંદરમ પીઆર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત ક્વાર્ટરમાં સોનાની કિંમતો થોડી હળવી થઇ હતી પણ હવે તે વધવાનું શરૂ થયું છે. ધનતેરસની ખરીદી અને આગામી બે મહિનામાં લગ્ન ગાળામાં કિંમતો સોનાની ખરીદી પર મહત્વની અસર કરશે. વેપારના ફીડબેક એવા છે કે ગ્રાહકોએ પ્રતિ દસ ગ્રામ રૂ. ૬૦૦૦૦ની કિંમતના પોઇન્ટને સ્વીકારી લીધો છે અને આથી નીચે તરફનું કરેકશન માગમાં એક નોંધપાત્ર ઉછાળો પ્રેરી શકે છે.
હિન્દુ કેલેન્ડરમાં ધનતેરસ એ કિંમતી ધાતુઓથી માંડીને વાસણો ખરીદવા માટેનો સૌથી શુભ દિવસ મનાય છે તેથી આ દિવસે સોનાની ખરીદી ઘણા મોટા પાયે થાય છે. હવે આ ધનતેરસે દેશમાં સોનાની ખરીદી કેવી થાય છે તે જોવાનું રહે છે. ત્રિમાસિક સોનાની માગનો અહેવાલ જારી કરતા ડબલ્યુજીસીએ જણાવ્યું હતું કે ૨૦૨૩ના કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માગ ૨૧૦.૨ ટન હતી, જ્યારે ગયા વર્ષના આ જ સમયગાળામાં તેની માગ ૧૯૧.૭ ટન હતી.
એવી પણ માહીતી મળે છે કે ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાના ઘરેણાઓની માગ સાત ટકા વધીને ૧૫૫.૭ ટન થઇ હતી જ્યારે લગડીઓ અને સિક્કાની માગ ૨૦ ટકા વધીને ૫૪.પ ટન થઇ છે. વાસ્તવમાં, લગડીઓ અને સિક્કાઓમાં રોકાણ ભારતમાં ૨૦૧૫થી અત્યાર સુધીમાં ત્રીજા ક્વાર્ટરમાં સૌથી ઉંચા સ્તરે પહોંચ્યું છે. આ ટ્રેન્ડ પરથી એમ પણ સમજાય છે કે ઘણા ભારતીયોએ હવે ઘરેણાઓની સામે સોનાની લગડીઓ અને સિક્કાઓને પણ ઘણુ મહત્વ આપવા માંડ્યું છે અને રોકાણ માટે તેઓ સોના-ચાંદીના, ખાસ કરીને સોનાના સિક્કાઓ અને લગડીઓને વધુ પસંદ કરવા માંડ્યા છે.
વૈશ્વિક દષ્ટિએ જોઇએ તો, વિશ્વભરમાં સોનાની માગમાં ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં છ ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને ૧૧૪૭.પ ટન થઇ છે. વાસ્તવમાં વિશ્વની અનેક મધ્યસ્થ બેંકો દ્વારા લગડીઓ અને સિક્કાઓની માગ ઘટવાને કારણે આના પર મોટી અસર જણાય છે. બીજી બાજુ, ચીનમાં સોનાની માગમાં થોડો વધારો થયો છે. ભારત અને ચીન સિવાય વિશ્વમાં અન્યત્ર સોનાની માગમાં આ ક્વાર્ટરમાં ઘટાડો થયો છે.
ભારત અને ચીનની સંસ્કૃતિઓમાં સોનાની ધાતુનું એક વિશેષ મહત્વ છે તેમાં પણ ભારતમાં તો હિન્દુ ધર્મમાં સોનાને ધાર્મિક રીતે પણ મહત્વ આપવામાં આવે છે અને વ્યક્તિનો સામાજીક દરજ્જો નક્કી કરવામાં પણ સોનુ મહત્વનો ભાગ ભજવે છે. ભારતમાં સોનું એ સમૃદ્ધિની સાથે આરોગ્ય, સ્ત્રીઓના સૌભાગ્ય વગેરે સાથે પણ સાંકળી લેવામાં આવ્યું છે. એમ માનવામાં આવે છે કે ભારતમાં ખૂબ જ ગરીબ હોય તેવા કુટુંબોને બાદ કરતા દરેક કુટુંબ પાસે થોડું તો સોનું હોય જ છે.
ભારતીય કુટુંબો પાસે ૨૧૦૦૦ ટન જેટલું સોનું સંગ્રહાયેલું હોવાનો અંદાજ છે જે મોટે ભાગે ઘરેણાઓના સ્વરૂપમાં છે અને આ રીતે જોવા જતા ભારતીય કુટુંબો વિશ્વભરમાં સૌથી મોટા સોનાના ધારકો છે એ મુજબ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે. આપણી પાસે સોનું હોય તો મુશ્કેલીના સમયમાં કામ આવે એવી ભારતીયોની માનસિકતા પણ સોનાનો સંગ્રહ કરવા તેમને પ્રેરવા માટે જવાબદાર છે. ભારતમાં સોનાનું ઉત્પાદન નહીંવત થાય છે, કર્ણાટક જેવા સ્થળોએ થોડી ખાણો હતી તે પણ હવે વસૂકી ગઇ છે છતાં વિદેશોથી આયાત કરીને પણ ભારતીયોની સોનાની માગ સંતોષવી પડે છે તે ભારતીયોનો સોના પ્રત્યેનો અદમ્ય મોહ સૂચવે છે.