નવી દિલ્હી: જાહેર સ્થળોએ કોઈની છેડતી થાય એ નવી વાત નથી. આવા કિસ્સા અવારનવાર સામે આવે છે. પરંતુ જે પણ મામલા સામે આવે છે તેમાં મોટા ભાગે મહિલાઓની છેડતી થતી હોવાનું જોવા સાંભળવા મળે છે. ભાગ્યે જ કોઈ પુરુષે છેડતી થઈ હોવાની ફરિયાદ કરી હોય છે પરંતુ હવે જે મામલો સામે આવ્યો છે તે બધા માટે ચોંકાવનારો છે.
એક યુવકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મહિલા દ્વારા તેની છેડતી કરવામાં આવી છે. પોસ્ટમાં યુવક લખે છે કે એરપોર્ટ પર એક મહિલા દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મહિલાએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે યુવક પુણેથી દિલ્હી જઈ રહ્યો હતો. યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને તેની સાથે બનેલી આ ઘટના વિશે જણાવ્યું છે. આ વાંચીને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
પોતાની પોસ્ટમાં યુવકે લખ્યું, ‘હું 7 નવેમ્બર 2023ના રોજ પુણેથી દિલ્હીની ફ્લાઈટ લઈ રહ્યો હતો અને લગભગ 2 વાગ્યા હતા. જ્યારે ઝોન 1 માટે બોર્ડિંગ શરૂ થયું ત્યારે હું ઝોન 3 માં રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક 30-35 વર્ષની મહિલા મારી નજીક આવી અને મારી બાજુમાં ઊભી રહી ગઈ. તે મહિલા ગીત ગાઈ રહી હતી. ત્યાર બાદ તે મહિલા મારી કમરથી નીચેના ભાગ તરફ જોવા માંડી અને હાથ ફેરવવા લાગી. હું સમજી શકતો ન હતો કે તેનો અર્થ કંઈક બીજો હોઈ શકે છે કારણ કે મારા જીવનમાં ક્યારેય કોઈએ મને આ રીતે સ્પર્શ કર્યો નથી. અને આ બે વાર થયું.
યુવકે વધુમાં લખ્યું કે, ‘એવું નથી કે હું ખૂબ હોટ છું અને તે થર્ડ ક્લાસ અગ્લી વુમન હોય. તે મહિલા સુંદર હતી. પરંતુ આ વિચિત્ર હરકત હતી. એક છોકરીએ મારી છેડતી કરી હતી. અમારી પાસે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી અને શું થયું તે હું સંપૂર્ણપણે સમજી શકતો નથી, પરંતુ હું માત્ર એટલું જાણું છું કે તેણે મને જાણી જોઈને સ્પર્શ કર્યો હતો અને મને આ પહેલા ક્યારેય સ્પર્શ કરવામાં આવ્યો નથી.
આ યુવકની પોસ્ટ પર લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું, ‘લોકો પોસ્ટમાં તે યુવકની મજાક ઉડાવી રહ્યા છે કારણ કે અહીં એક પુરુષની છેડતી કરવામાં આવી છે. જો કોઈ મહિલાએ આના પર પોસ્ટ કરી હોત તો પુરૂષો વિરુદ્ધ અનેક કોમેન્ટો આવી ગઈ હોત. સારું, તમારી સાથે જે થયું તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. માત્ર તમે એક પુરુષ છો એટલે આ બાબતની સંવેદનશીલતા ઓછી થતી નથી. અન્ય એક યુઝરે કહ્યું, ‘તમારી સાથે જે થયું તે સાંભળીને ખરાબ લાગે છે, મને આશા છે કે કોઈને પણ આવી સ્થિતિનો સામનો ન કરવો પડે.’