ખેરગામ : હાલના સમયમાં તહેવારોની સિઝન ચાલતી હોય અને નજીકમાં દિવાળીનો તહેવાર આવનાર હોય ત્યારે લોકો તહેવારોમાં હરવા-ફરવા બહાર જતા હોય છે. અને આવા સમયે કિંમતી વસ્તુઓની ચોરી થવાનો ભય રહેલો છે. ત્યારે ખેરગામ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કિંમતી સામાનનું કાળજીપૂર્વક ધ્યાન રાખવા પોલીસે સૂચન કર્યું છે.
દિવાળીના તહેવારની મોસમ આવતા જ લોકો વેકેશનના મૂડમાં જોવા મળે છે. ત્યારે ગુનાખોરીનું પ્રમાણ પણ વધી જાય છે. જેથી ખેરગામ પોલીસે એક માર્ગદર્શિકા જાહેર કરી લોકોને તહેવારો ટાણે કઈ તકેદારી રાખવી એ માટે સૂચન કર્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ખાસ કરીને કિંમતી દર દાગીના તથા રોકડ રકમ બેંન્ક ખાતામાં/બેંન્ક લોકરમાં મૂકવાનો આગ્રહ રાખો. ઘરના મુખ્ય દરવાજાને લોક લગાડી શક્ય હોય તો સાયરનની વ્યવસ્થા કરવી. તમારા ઘરનાં બારી-બારણા વ્યવસ્થિત છે કે કેમ? તેની ખાતરી કરી વ્યવસ્થિત કરાવી દેવા. આપનાં વાહનો પાર્ક કરો ત્યારે વ્યવસ્થિત પાર્ક કરવા. સ્ટિયરીંગ લોક મારવો તેમજ વાહનોમાં કોઇ કિંમતી ચીજવસ્તુઓ રાખવી નહીં.
હાલમાં તહેવારોની સિઝનમાં બજારમાં ભીડ બહુ થતી હોય છે અને આવી ભીડનો લાભ લઇ ચોર ઇસમો આપનો કિંમતી સરસામાન ઝૂંટવી લેતાં હોય છે. જેથી ભીડ ભાડવાળી જગ્યામાં જાઓ ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. સોસાયટીમાં સી.સી. ટીવી કેમેરા લગાવવા અને લાગેલા હોય તો તે ચાલુ હાલતમાં છે કે કેમ? તેની ખાતરી કરવી. તેમજ તેનું રેકોર્ડિંગ થાય છે કે કેમ? તેની સોસાયટી/ફ્લેટના ચેરમેન/સેક્રેટરીએ ખાતરી કરવી. તમારો ઇમરજન્સી નંબર પાડોશી તથા સગા સંબંધીને આપવો.
સોસાયટીમાં દિવસ રાત બે-બે સિક્યુરિટીના માણસો વ્હીસલ, લાઠી, ટોર્ચ મોબાઇલ ફોન સાથે ફરજ ઉપર રાખવાની વ્યવસ્થા કરવી. તમારા મહોલ્લા સોસાયટી ફળિયામાં ફેરિયા તેમજ અજાણ્યા ઇસમોને પ્રવેશવા દેવા ઉપર પ્રતિબંધ રાખવો અથવા તેના નામ સરનામાની મેઇન ગેટના પ્રવેશ રજિસ્ટરમાં નોંધ કરવી.
આપના એ.ટી.એમ. કાર્ડ કોઇને આપવા નહીં અને તેનો પીન નંબર કોઇને શેર કરવો નહીં. તમામ સિનિયર સિટિઝન વ્યક્તિઓએ એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડતી વખતે જો ખબર ન પડે અથવા તો કોઇ ખામી ઉદભવે તો બૅન્કના કર્મચારીઓની જ મદદ લેવી. અજાણ્યા વ્યક્તિઓની મદદ લેવી નહીં. જ્યારે પણ બેંન્ક/મંડળીમાં રૂપિયા જમા કરવા કે ઉપાડવા જાઓ ત્યારે પોતાનો કીમતી સામાન સાચવીને રાખવો.
આજુબાજુમાં આપનો કોઇ પીછો કરતો હોય તો તુરંત પોલીસને જાણ કરવી. કોઇપણ ઇમરજન્સીના ભાગરૂપે અથવા પોલીસ મદદની જરૂર માટે પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ૧૦૦ તથા ખેરગામ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૩૪ ૨૨૦૬૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.